ભાવનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ચકાસણીના દિવસે ભાવનગર રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 2 કુંભારવાડા માં કોંગ્રેસના અધિકૃત ઉમેદવારનું ફોર્મ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ચકાસણીના દિવસે ભાવનગર રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 2 કુંભારવાડા માં કોંગ્રેસના અધિકૃત ઉમેદવારનું ફોર્મ રદ થતા પક્ષને મોટો ફટકો પડ્યો છે.

ભાવનગર મનપાના વોર્ડ નંબર 2 કુંભારવાડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ફોર્મની ચકાસણી દરમિયાન રીટર્નીંગ ઓફિસર દ્વારા તેમનું ફોર્મ ગેરમાન્ય ઠેરવવામાં આવ્યું છે. ફોર્મ રદ થવા પાછળનું મુખ્ય કારણ ઉમેદવારે પોતાની સામેના ગુનાહિત ઈતિહાસ અને તેની વિગતો એફિડેવિટમાં છુપાવી હોવાનું સામે આવ્યું છે.

સૌથી આશ્ચર્યજનક અને પક્ષ માટે નુકસાનકારક બાબત એ છે કે, આ વોર્ડમાં અરવિંદ પરમારના ડમી ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા અન્ય કોઈ ફોર્મ ભરવામાં આવ્યું નહોતું. જેના કારણે હવે ટેકનિકલી આ વોર્ડમાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહેશે નહીં, જેનો સીધો ફાયદો પ્રતિસ્પર્ધી પક્ષોને થવાની શક્યતા છે.

આ ઘટના અંગે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે ઉગ્ર પ્રતિક્રિયા આપતા ભાજપ અને ચૂંટણી તંત્ર પર નિશાન સાધ્યું છે. લાલભા ગોહિલે આક્ષેપ કર્યો હતો કે, “શહેરમાં કોંગ્રેસ તરફી લહેર જોઈને ભાજપ ગભરાઈ ગયું છે અને સત્તાના જોરે વિરોધ પક્ષના ઉમેદવારોને મેદાનમાંથી હટાવવાનું ષડ્યંત્ર રચ્યું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપના અમુક ઉમેદવારોના ફોર્મમાં પણ વિસંગતતાઓ હોવા છતાં તંત્રએ તેમને માન્ય રાખ્યા છે, જે પક્ષપાત દર્શાવે છે. કોંગ્રેસે આ મામલે રીટર્નીંગ ઓફિસરને પક્ષકાર બનાવીને હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની ચીમકી આપી છે.

જેસરની શેરડીવદર બેઠક પર ભાજપની જીત
ભાવનગર જિલ્લાના જેસર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે પ્રથમ સફળતા મેળવી છે. જેસર તાલુકા પંચાયતની 14-શેરડીવદર બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર રાધાબેન બાવકુભાઈ ચૌહાણ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ બેઠક પર અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ન રહેતા ભાજપનો વિજય નિશ્ચિત બન્યો છે, જેનાથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેસર તાલુકાના શેરડીવદર બેઠક પર આઝાદી સમયથી કોંગ્રેસના ઉમેદવાર જ વિજેતા બન્યા છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર જ ઉભા રાખ્યા નથી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. પરંતુ આપ ના ઉમેદવારની પણ વય મર્યાદા ઓછી રહેતા તેનું ફોર્મ રદ થયું છે .જેથી ભાજપના ઉમેદવાર બીન હરીફ વિજેતા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *