શહેરના ભગવતીપરામાં રહેતી કોમ્પ્યુટર એન્જિનીયર યુવતી ઉપર સગા કાકા સહીતના પરિવારજનો દ્વારા હુમલો કરી માર મારવામાં આવતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ છે. કોર્ટમાં મકાનનો કેસ ચાલતો હોય જેનો ખાર રાખી હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતી એકતા રમેશભાઇ આકળીયા (ઉ.વ.36) નામની યુવતી આજે બપોરે ભગવતીપરા પુલ નજીક શાક માર્કેટ પાસે હતી ત્યારે તેના કાકા યોગેશ ધનજીભાઇ, તેનો પુત્ર જીલ, પુત્રી મિતલ અને તેની સાથેના શખ્સોએ ગેસની નળી વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ છે. પ્રાથમિક તપાસમાં તેના મકાનનો કોર્ટ કેસ ચાલતો હોવાથી કાકા ઘણા સમયથી હેરાન કરે છે. તા.24ના કોર્ટમાં તારીખ હોય જેથી આજે તેણી બેંકે પૈસા ભરીને આવતી હતી ત્યારે રસ્તામાં આંતરી હવે તુ કોર્ટમાં કેમ જઇશ તેમ કહી માર માર્યો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
