30મી સુધીમાં રોડ-રસ્તાના રિપેરિંગ પૂરા કરો : મુખ્યમંત્રીની તાકીદ

પ્રભારી મંત્રીઓએ આપવો પડશે રિપોર્ટ, ફરિયાદ આવે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાશે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં લોકોની મુશ્કેલી હળવી રહે તે રીતે કામગીરી કરવા આદેશ…

પ્રભારી મંત્રીઓએ આપવો પડશે રિપોર્ટ, ફરિયાદ આવે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાશે

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં લોકોની મુશ્કેલી હળવી રહે તે રીતે કામગીરી કરવા આદેશ અપાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને માર્ગ મકાન વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.જેમાં રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તાની કોલેટી યોગ્ય ન હોય તેવા ત્રણ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે. આ વર્ષે કુલ 13 કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો બેઠકમાં આપ્યા હતા. રાજ્યના મહાનગરોના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર અને રિજનલ મ્યુનિસિપલ કમિશનર આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતા અને તેમના નગરો-મહાનગરોની રોડ-રસ્તાની સ્થિતિની વિગતો મુખ્યમંત્રીને આપી હતી.

તાજેતરમાં 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, હલકી ગુણવત્તાના કામો કરનારા 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના સખત શિક્ષાત્મક પગલાં પણ મુખ્યમંત્રીની સીધી સૂચનાથી લેવાયા છે.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો પરના પોટહોલ્સ પુરવાના કામો અગ્રતા ક્રમે હાથ ધરાય એટલુ જ નહી, સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરો નિયમિત પણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને 30મી નવેમ્બર સુધીમાં રોડ-રસ્તાની સમગ્રતયા સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરે.જે સ્થળોએ બ્રિજના કામો થતા હોય ત્યાં ડાયવર્ઝન માટેના આર.સી.સી. રોડ બને જેથી સંબંધિત કામ પૂરું થાય ત્યાં સુધી નાગરિકોને વાહન-વ્યવહાર માટે કોઈ અગવડ ન પડે તે માટે પણ તેમણે બેઠકમાં સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ પ્રભારી મંત્રીઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. 30 નવેમ્બર સુધીમાં પૂરી કરીને સ્થળ-સ્થિતિનો અહેવાલ સત્વરે આપવા માટે પણ સૂચના આપી હતી.

તેમણે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એમ પણ જણાવ્યું કે, જે રોડ-રસ્તા મેન્ટેનન્સ ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તો તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બેઠકમાં કહ્યુ કે, શહેરોમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્કેટ જેવા સ્થળો જ્યાં લોકોની વધુ અવર-જવર હોય ત્યાં રોડ રિપેરીંગના કામોની લોકોને અનુભૂતિ થાય તે રીતે શહેરી સત્તાતંત્રો અને માર્ગ-મકાન વિભાગ કામગીરી કરે. માર્ગ દુરસ્તી માટેની મળતી ફરિયાદોનું સત્વરે નિવારણ આવે સાથોસાથ અન્ય રિપેરીંગ અને રસ્તાના નવા કામો પણ થતા રહે તે જરૂૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *