દેશભરમા સાયબર ફ્રોડ અંતર્ગત ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હન્ટ મામલે ગાંધીનગર સાયબર સેલ દ્વારા ફ્રોડનાં નાણા કયા ખાતામા જમા થયા તેની વિગતો સ્થાનીક પોલીસને આપવામા આવે છે અને પોલીસ દ્વારા ખાતા ધારક અને ફ્રોડમા સંડોવાયેલ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરે છે ત્યારે રાજકોટ શહેર સાયબર સેલ પોલીસ દ્વારા વધુ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને આ શખ્સોએ 17 લાખ જેવડી રકમ ખાતામા લઇ બારોબાર સગેવગે કરી નાખી હોવાનુ બહાર આવ્યુ છે.
પ્રથમ બનાવમા સાયબર ક્રાઇમ પોલીસનાં કોન્સ્ટેબલ જયપાલસિંહ સોલંકીએ ફરીયાદી બની ભગવતીપરા જયપ્રકાશ નગર શેરી નં 18 મા રહેતા માકવાણી જુલ્ફીકાર હબીબભાઇ અને તારીક મેતર વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો જેમા તપાસ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે જુલફીકારે કમીશનની લાલચે પોતાનુ બેંક એકાઉન્ટ તારીક મેતરને આપી દીધુ હતુ અને આ ખાતામા તારીકે રૂ. 10 લાખ જમા કરાવ્યા હતા જેમાથી 30 હજારનુ કમીશન જુલ્ફીકારને મળ્યુ હતુ અને બાકીનાં પૈસા તારીકે સગે વગે કરી નાખ્યા હતા.
જયારે બીજા બનાવમા સાયબર ક્રાઇમનાં યજુવેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદી બની સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલી શ્રી રામ ટાઉનશીપમા રહેતા મુરીમા અલ્ફેજ રમજાનભાઇ અને લક્ષ્મણ ટાઉનશીપમા રહેતા અમન નામનાં શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી આ ફરીયાદમા જાણવા મળ્યુ હતુ કે મુરીમા અલ્ફેજે પોતાનુ બેંક એકાઉન્ટ અમનને આપ્યુ હતુ અને અમને રૂ. 7.42 લાખ ખાતામા જમા કરાવ્યા હતા . આ નાણા ઓનલાઇન ગેમીંગ ફ્રોડનાં હોવાનુ જણાયુ હતુ. આ ખાતુ ભાડે આપવા બદલ મુરીમા અલ્ફેજને રૂ. પ હજાર કમીશન પેટે મળ્યા હતા.
