કાલાવડ પંથકની જમીન પચાવી પાડયાનો વીડિયો ઉતારી રૂા.50 હજારની માંગણી કરતા ફરિયાદ

કાલાવડ તાલુકાના જાલણસર ગામે પોતાની પત્નીના નામે આવેલી જમીન પર સરકારી ખરાબાની જમીન પચાવી પાડવાના આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ નહીં કરવા માટે રૂૂા.…

કાલાવડ તાલુકાના જાલણસર ગામે પોતાની પત્નીના નામે આવેલી જમીન પર સરકારી ખરાબાની જમીન પચાવી પાડવાના આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ નહીં કરવા માટે રૂૂા. 50 હજારની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ મામલે કાલાવડની સેફરોન સ્કૂલના સંચાલક અને વોર્ડ નં. 7ના કોર્પોરેટર રમેશભાઈ મોહનભાઈ દોંગાએ કાલાવડના વાલસી ગઢવી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગતો મુજબ, રમેશભાઈ દોંગાએ તા. 27 જુલાઈ, 2021ના રોજ પોતાની પત્ની હીનાબેનના નામે જાલણસર ગામની સીમમાં રે.સ.નં. 285ની કુલ 1-63-30 હેક્ટર જમીન વેચાણથી ખરીદી હતી. દરમિયાન તા. 29 ઓક્ટોબરના રોજ બપોરે તેમની સ્કૂલના ભાગીદાર વિવેકભાઈ ભંડેરીનો ફોન આવ્યો હતો. તેમણે ‘આઈ લવ કાલાવડ’ પેજના સંચાલક દ્વારા જમીનનો વીડિયો અને ઓડિયો મોકલવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.આ વીડિયોમાં જમીન પર સરકારી ખરાબાની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે મહેસૂલ તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ વિવેકભાઈએ રમેશભાઈને જાણ કરી હતી કે પેજના સંચાલક વાલસી ગઢવીએ વીડિયો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ નહીં કરવા માટે રૂૂા. 50 હજારની માંગણી કરી છે. આ અંગે વિવેકભાઈએ મોબાઇલમાં વાતચીતનું રેકોર્ડિંગ પણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, નાણાં નહીં આપતાં વાલસી ગઢવીએ પોતાના ‘આઈ લવ કાલાવડ 1’ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર જમીન અંગેના આક્ષેપો કરતો વીડિયો મૂક્યો હતો. તેમાં ભાજપના આગેવાન અને કોર્પોરેટર દ્વારા કરોડોની સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.આમ, વીડિયો પ્રસિદ્ધ નહીં કરવા માટે રૂૂા. 50 હજારની માંગણી કરી નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની તેમજ સોશિયલ મીડિયા પર ખોટા આક્ષેપો કરીને પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની રજૂઆત સાથે રમેશભાઈ દોંગાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. આ સાથે વિવેકભાઈ દ્વારા કરવામાં આવેલા બે ઓડિયો રેકોર્ડિંગ પેનડ્રાઇવમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *