જામનગર તાલુકાના સરમત ગામે બે દિવસ પૂર્વે થયેલા ઝઘડાને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો છે. અગાઉ વર્તમાન મહિલા સરપંચના પરિવાર દ્વારા નોંધાવાયેલી ફરિયાદ બાદ હવે કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ ચાર વ્યક્તિઓ સામે વળતી ફરિયાદ નોંધાવતા સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. સિક્કા પોલીસે બંને તરફથી નોંધાયેલી ફરિયાદોના આધારે તપાસ શરૂૂ કરી છે.
મળતી માહિતી મુજબ, કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ દોલુભા જાડેજા, મુળુભા જાડેજા, હનુભા જાડેજા તથા પ્રુથ્વીરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, બે દિવસ પૂર્વે તેઓ પોતાના મોટરસાયકલ પર ગામમાં આટો મારવા નીકળ્યા હતા. તે દરમિયાન સરમત ગામે આવેલ વાછરા દાદાના મંદિર પાસે આરોપી દોલુભાએ તેમને ભૂંડી ગાળો આપી ફડાકા માર્યા હતા. આ ઘટનાથી આહત થયેલા કુલદીપસિંહ ઘરે પરત ફરી ગયા હતા. પરંતુ બાદમાં ચારેય આરોપીઓ તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને લોખંડના પાઇપ તેમજ ઢીકા-પાટાથી મારપીટ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હુમલામાં તેમને ઇજાઓ પહોંચી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જોકે ઇજાની ગંભીરતા અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ જ બનાવ અંગે બે દિવસ પૂર્વે આરોપી ગણાવાયેલા પક્ષ દ્વારા પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના કારણે બંને પક્ષ વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે.
ગામમાં આ બનાવને લઈને ચર્ચાઓ જોર પકડતી જોવા મળી રહી છે અને સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ છે. સિક્કા પોલીસ મથકે બંને પક્ષની ફરિયાદોને ધ્યાનમાં લઈ તપાસ તેજ કરી છે. પોલીસે બંને પક્ષના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે તેમજ ઘટનાસ્થળની મુલાકાત લઈને હકીકતો એકત્રિત કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગામમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. બંને પક્ષોને શાંતિ જાળવવા અને કાયદાનો સહારો લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
