કોમનવેલ્થ ગેમ, દિલીપ ગાવિતને ગોલ્ડ અને બેસિલને સિલ્વર મેડલ સાથે ભારત 8માં ક્રમે

કોમનવેલ્થ ગેમ્સ 2026 નો સાતમો દિવસ ભારત માટે અત્યંત યાદગાર અને સુવર્ણ સફળતા લઈને આવ્યો છે. સામાન્ય રીતે એથ્લેટિક્સના ટ્રેક પર ભારત માટે ગોલ્ડ મેડલની…

કોમનવેલ્થ ગેમ્સ 2026 નો સાતમો દિવસ ભારત માટે અત્યંત યાદગાર અને સુવર્ણ સફળતા લઈને આવ્યો છે. સામાન્ય રીતે એથ્લેટિક્સના ટ્રેક પર ભારત માટે ગોલ્ડ મેડલની ખુશી ઓછી જોવા મળતી હોય છે, પરંતુ 23 વર્ષીય એથ્લીટ દિલીપ મહાદુ ગાવિતે આ ઈતિહાસ બદલી નાખ્યો છે.

ગ્લાસગોના સ્કોટ્સટાઉન સ્ટેડિયમ ખાતે બુધવારે (29 જુલાઈ) રાત્રે યોજાયેલી પેરા-એથ્લેટિક્સની ઝ47 શ્રેણીની 100 મીટર દોડની ફાઇનલમાં ભારતના ખેલાડીઓએ મેદાન માર્યું. દિલીપે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. આ જ રેસમાં ભારતના મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ જીતીને ભારત માટે ’1-2’ ફિનિશ સાથે આ ક્ષણને વધુ ભવ્ય બનાવી દીધી. આ સાથે જ વર્તમાન ગેમ્સમાં ભારતનો આ 3જો સુવર્ણ ચંદ્રક અને એકંદરે 15મો મેડલ છે. આ મેડલ સાથે પુરુષોની ઝ47 100 મીટર દોડમાં ભારતે ઐતિહાસિક સફળતા મેળવી. આ સાથે ભારત મેડલના લિસ્ટમાં 8માં ક્રમે પહોંચી ગયું છે.

T47 કેટેગરીની આ ફાઇનલ રેસ રોમાંચથી ભરપૂર રહી હતી. શરૂૂઆતની ગન ફાયર થતાં જ ઇંગ્લેન્ડના કેવિન સાન્તોસ અને ભારતના મોહમ્મદ બેસિલે ધમાકેદાર શરૂૂઆત કરી હતી. શરૂૂઆતના ભાગમાં એવું લાગી રહ્યું હતું કે આ બેમાંથી જ કોઈ એક ગોલ્ડ જીતશે. પરંતુ, રેસ પૂરી થવામાં માત્ર 30 મીટર બાકી હતા ત્યારે 5મા ક્રમે ચાલી રહેલા દિલીપ ગાવિતે અકલ્પનીય સ્પીડ પકડી હતી. રોકેટ જેવી ગતિથી દોડીને તેમણે તમામ સ્પર્ધકોને પાછળ છોડી દીધા અને 10.71 સેક્ધડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. આ સાથે તેમણે આ શ્રેણીમાં કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

બીજી તરફ, બીજા સ્થાન માટે ભારતના મોહમ્મદ બાસિલ અને ઇંગ્લેન્ડના સાન્તોસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આ અત્યંત રોમાંચક ફોટો ફિનિશ મુકાબલામાં બેસિલે બાજી મારીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ટ્રેક એન્ડ ફીલ્ડમાં બે ભારતીય ખેલાડીઓ એકસાથે પોડિયમ પર પ્રથમ અને દ્વિતીય સ્થાને ઉભા રહે તેવી ઘટના ખૂબ જ દુર્લભ છે.

ભારતીય બોક્સરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, સેમિફાઇનલમાં સ્થાન મેળવીને ઓછામાં ઓછા 10 મેડલ મેળવ્યા હતા. સાક્ષી ચૌધરી (51 કિગ્રા), અરુંધતી ચૌધરી (70 કિગ્રા), સચિન સિવાચ (60 કિગ્રા), અંકુશ પંઘાલ (80 કિગ્રા), નરેન્દ્ર બરવાલ (+90 કિગ્રા) અને વિશ્વ ચેમ્પિયન જેસ્મીન લાબોરિયા (57 કિગ્રા) અંતિમ ચારમાં પ્રવેશી છે. લવલીના બોરગોહેન (75 કિગ્રા), પ્રિયા ઘંઘાસ (60 કિગ્રા), પ્રીતિ પવાર (54 કિગ્રા) અને જાદુમણી સિંહ (55 કિગ્રા) પણ સેમિફાઇનલમાં પ્રવેશી છે. જૈસ્મીને ઇંગ્લેન્ડની એલિસ ગ્લિનને 4-1થી હરાવીને 57 કિગ્રા સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. છ જીત સાથે સેમિફાઇનલમાં પહોંચનારા ભારતીય બોક્સરોની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *