મૂળ ચોટીલાના અને હાલ માંડાડુંગરમાં રહેતા અને જસાણી કોલેજમાં અભ્યાસ કરતા પ્રભાતભાઇ વનરાજભાઇ જંજવાડીયા(ઉ.વ.20)ને ગઈકાલે આજીડેમ ચોકડી પાસે રીક્ષા ગેંગ ભટકાઈ હતી અને આ ટોળકીએ પ્રભાતભાઈના ખિસ્સામાંથી 34 હજાર સેરવી લેતા આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રભાતે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.16/01ના રોજ સવારના બાબરાથી રાજકોટ આવવા નીકળેલ હતો અને મે બાબરા ખાતે ઉત્તરાયણના તહેવાર ઉપર પતંગ-દોરાનો સ્ટોલ કરેલ હતો જેના વકરાના રોકડા રૂૂ.34,800 મારા પેન્ટના ડાબી બાજુના આગળના ખીસ્સામા પ્લાસ્ટીકના ઝબલામાં રાખેલ હતા અને ત્યારે હું બપોરના પોણા એક વાગ્યાની આસપાસ હું આજીડેમ ચોકડી ખાતે ઉતરેલ અને ત્યાંથી હું એક રીક્ષામાં બેસી અને મારા મોટાબાપુના દિકરા ધર્મેશભાઈ મનસુખભાઈ કે જેઓ ખોખડદડ નદીના કાંઠે વેલનાથપરામાં રહે છે ત્યા જવા માટે નીકળેલ હતો અને આ રીક્ષા એક ભાઈ કે જેમની ઉંમર આશરે 50 વર્ષ હશે તે ચલાવતા હતા અને પાછળની સીટમાં એક બહેન તથા એક ભાઈ બેસેલ હતા જેમની બન્નેની ઉંમર આશરે 30 વર્ષની હશે અને તે બન્ને પાછળ બેસેલ હતા એટલે મને આ રિક્ષાવાળા ભાઈએ પાછળ ડાબી બાજુએ બહેનની બાજુમા બેસાડેલ અને ત્યારે આજીડેમ ચોકડીથી હુડકો ચોકડી તરફ સર્વિસ રોડ ઉપર આશરે ત્રણસો-ચારસો મીટર દૂર પહોચેલ ત્યારે રીક્ષામા વચ્ચે બેસેલ બહેને ઉલ્ટી-ઉબકા થાય છે તેમ કહી મને કહેલ કે તમે ભાઈ અહીં વચ્ચે બેસી જાવ તેવુ મને કહેતા હું ચાલુ રીક્ષાએ વચ્ચે બેસી ગયેલ અને તે વખતે આ રિક્ષા ચાલકે તેની રીક્ષા ઉભી રાખી અને મને કહેલ કે ભાઈ તમે નીચે ઉતરી જાવ મારે બીજી જગ્યાએ ઈમરજન્સી જવાનું છે.
ત્યારબાદ હું એ બાજુ નથી જતો તેમ કહેતા હું નીચે ઉતરી ગયેલ અને તે વખતે મે જોયુતો મારા પેન્ટના ડાબી બાજુના આગળના ખીસ્સામા પ્લાસ્ટીકના ઝબલામાં રાખેલ રોકડા રૂૂ.34,800/- હતા તે જોવામા આવેલ નહીં જેથી મે આ આગળ જતી રીક્ષાને જોતા પીળા રંગના હુડ વાળી અને જુના જેવી હતી અને તેના નંબર જોતા 6288 ના હતા અને આગળની સીરીઝ મને દેખાયેલ નહીં.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ થતા હેડકોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાએ તપાસ શરૂૂ કરી છે.
