રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી, ખાનગી અને ફાઈનાન્સ પેઢીમાંથી કરોડો રૂૂપિયાની લોન લઈ વિજ્ય માલ્યા બનેલા આસામી સામે કલેક્ટર તંત્ર આક્રમક બન્યું છે. છેલ્લા 1 મહિનામાં 3 આસામીઓની અધધ રૂૂ. 4.70 કરોડની મિલ્કત જપ્ત કરી બેંક અને પેઢીને કબજો સોંપી દેવામાં આવ્યો છે. જ્યારે આવા કુલ 114 આસામીઓ સામે કાર્યવાહી કરવા કલેક્ટર તંત્ર દ્વારા ક્વાયત હાથ ધરવામાં આવતા બેંક ડિફોલ્ટરોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં ગત મહિને સરફેસી એક્ટ હેઠળ રાજકોટ પૂર્વ મામલતદાર કચેરી દ્વારા રણછોડનગરમાં આવેલ એક આસામીની ખૂલ્લી મિલ્કત જપ્ત કરવામાં આવી છે. આ આસામી દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લાની બેંકમાંથી કરોડોની લોન લેવામાં આવી હતી. બાદમાં બેંકમાં હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. આથી કલેક્ટર દ્વારા મિલક્ત જપ્ત કરવાના આદેશ આપવામાં આવ્યાં હતાં. તેના અનુસંધાને મામલતદાર દ્વારા રણછોડનગરમાંથી કુલ રૂૂ. 4.28 કરોડની મિલક્ત જપ્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ પશ્ચિમ અને રાજકોટ તાલુકામાં પણ ડિફોલ્ટરની મિલ્કત જપ્ત કરવામાં આવી છે. તેમાં રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં રૂૂ. 24.28 લાખ, રાજકોટ તાલુકામાં રૂૂ. 18.07 લાખ મળી કુલ ત્રણ કેસમાં 4.70 કરોડ રૂૂપિયાની મિલક્તો જપ્ત કરવામાં આવી છે.
