કલમ 63 અ હેઠળ કલેકટરને વહીવટી સત્તા છે, કાયદાકીય પાવર આપેલ નથી : જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીનો સિમાચિહ્ન ચૂકાદો
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડ્સ એક્ટ, 1948ની કલમ 63અઅ હેઠળ ઔદ્યોગિક ઉદ્દેશ્ય માટે જમીનના બોનાફાઈડ ઉપયોગનું પ્રમાણપત્ર આપવા અંગે કલેક્ટર તકનીકી ખામીઓ કે પ્રક્રિયાગત ભૂલોને આધારે અરજી નકારી શકે નહીં. આવા કિસ્સામાં અરજદાર નવી અરજી દાખલ કરી શકે છે.
આ ચુકાદો જસ્ટિસ વૈભવી ડી. નાનાવટીએ આપ્યો છે. કેસમાં પિટિશનર કંપની એડવાન્સ ગ્રીનફિલ્ડ પ્રાઈવેટ લિમિટેડએ વડોદરા જિલ્લાના ફઝલપુર ગામમાં જમીન ખરીદીને ઔદ્યોગિક એકમ સ્થાપવા માટે કલમ 63અઅ હેઠળ પ્રમાણપત્ર મેળવવા અરજી કરી હતી. વેચાણની નોંધણી રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી નં. 1491 તરીકે થઈ હતી.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે કલમ 63અઅ હેઠળ કલેક્ટરનું કાર્ય વહીવટી છે. ખરીદદારે ખરીદીના 30 દિવસમાં કલેક્ટરને જાણ કરવાની અને વિગતો આપવાની હોય છે. કલેક્ટરે સંતોષ થાય તો પ્રમાણપત્ર આપવું અને ન થાય તો સુનાવણી આપીને નકારવું. પરંતુ તકનીકી ખામીઓ પર નકારવું એ મેરિટ પરનો નિર્ણય ગણાતો નથી.
કોર્ટે કહ્યું, રેવન્યુ અધિકારીઓએ અધિકારનો દુરુપયોગ કર્યો છે અને મનનો અભાવ દેખાયો છે. મૂળ માલિકના શેરની વિગતો ન આપવા પર અરજી નકારવી એ અધિકારનું અતિક્રમણ છે. કલેક્ટરનો આદેશ રદ કરી દેવામાં આવ્યો છે. જો પિટિશનર નવી અરજી દાખલ કરે તો કલેક્ટરે તેને કાયદા મુજબ સ્વતંત્ર રીતે ધ્યાનમાં લેવી. કેસનું નામ: એડવાન્સ ગ્રીનફિલ્ડ પ્રાઈવેટ લિમિટેડ વિ. સ્ટેટ ઓફ ગુજરાત (આર/સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. 11771/2024).
અગાઉના માલિકોના ખેડૂત ખાતેદારોના પ્રમાણપત્રો, ડીએલઆર મેપ ન હોવાથી અરજી રદ કરાઈ હતી
કલેક્ટરે 7 જુલાઈ 2024ના રોજ અરજી નકારી કાઢી હતી. કારણોમાં અગાઉના માલિકોના ખેતીવાડી પ્રમાણપત્રોની ચકાસણી ન થઈ શકી, રેવન્યુ એન્ટ્રીઓમાં અસ્પષ્ટતા અને DLR મેપ જેવા કેટલાક દસ્તાવેજો રજૂ ન કરવાનો સમાવેશ થતો હતો. પિટિશનર તરફથી એડ્વોકેટ પ્રતીક એસ. ભાટિયાએ દલીલ કરી કે કલેક્ટરે કલમ 63અઅની હદ બહાર જઈને આદેશ આપ્યો છે. આ સત્તા વહીવટી (એડમિનિસ્ટ્રેટિવ) છે, અર્ધ-ન્યાયિક (ક્વાસી-જ્યુડિશિયલ) નથી. કલેક્ટરે માત્ર એટલું જ તપાસવાનું છે કે જમીન ખરીદી બોનાફાઈડ ઔદ્યોગિક ઉદ્દેશ્ય માટે છે કે નહીં. તકનીકી ખામીઓ પર અરજી ફગાવવી એ અર્થહીન છે. રાજ્ય તરફથી એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર જ્વલંત વોરાએ દલીલ કરી કે કલેક્ટરે કાયદા મુજબ તપાસ કરીને અસંતોષ વ્યક્ત કર્યો છે અને અપીલનો ઉપાય છે.
