યુધ્ધની અસર શરૂ, ગુજરાત ગેસ દ્વારા ઔદ્યોગિક ગેસ સપ્લાયમાં 50 ટકાનો કાપ

ભારતને સૌથી વધુ કુદરતી ગેસ આયાત કરનાર દેશ કતારે ગેસ પુરવઠા અંગે ફોર્સ મેજ્યોર (અનિવાર્ય પરિસ્થિતિ) જાહેર કરી છે. ઇરાનનાં ડ્રોન હુમલા પછી ઉત્પાદન ઠપ…

ભારતને સૌથી વધુ કુદરતી ગેસ આયાત કરનાર દેશ કતારે ગેસ પુરવઠા અંગે ફોર્સ મેજ્યોર (અનિવાર્ય પરિસ્થિતિ) જાહેર કરી છે. ઇરાનનાં ડ્રોન હુમલા પછી ઉત્પાદન ઠપ થવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ વચ્ચે હવે ગુજરાત ગેસ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ઉદ્યોગોના ગેસ પૂરવઠાની સપ્લાયમાં 50 ટકા કાપ મૂકાયો છે.

મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયંકર સંઘર્ષની સીધી અસર હવે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ક્લસ્ટર પર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે R-LNG ની ઉપલબ્ધતામાં સર્જાયેલા વિક્ષેપને કારણે ગુજરાત ગેસ લિમિટેડ (GGL) એ ગેસ વેચાણ કરારની જોગવાઈઓ હેઠળ ’ફોર્સ મેજર’ (અનિવાર્ય સંજોગો) જાહેર કરી છે. આ અંતર્ગત 6 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી તમામ સિરામિક એકમોના ગેસ સપ્લાયમાં મોટો કાપ જાહેર કરવામાં આવ્યો છે. નિયમિત ગ્રાહકો માટે ફેબ્રુઆરી 2026 ના સરેરાશ દૈનિક વપરાશના આધારે નવો DCQ માત્ર 50% નક્કી કરાયો છે. કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ એકમ નિર્ધારિત ક્વોન્ટિટી કરતા વધુ ગેસ વાપરશે, તો કોઈપણ પૂર્વ સૂચના વિના તેમનો પુરવઠો તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવશે.

બીજી તરફ, Non-MGO (મિનિમમ ગેરંટીડ ઓફટેક) ગ્રાહકો માટે નિયમો અત્યંત કડક બનાવતા તેમનો દૈનિક ક્વોટા (DCQ) 6 માર્ચથી સંપૂર્ણપણે શૂન્ય (Zero) કરી દેવાયો છે. ગુજરાત ગેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ Non-MGO યુનિટ્સને ગેસ વાપરવા માટે પ્રોત્સાહિત કરતા નથી, અને જો આવા એકમો ગેસનો ઉપયોગ કરશે તો તેને ’એક્સેસ ગેસ’ ગણી ઊંચા ચાર્જ વસૂલવામાં આવશે. એટલું જ નહીં, જો આવા એકમોમાં વપરાશ માલૂમ પડશે તો કોઈપણ સૂચના આપ્યા વગર સીધું જ કનેક્શન કાપી નાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કટોકટીને કારણે લાદવામાં આવેલા આ ગેસ કાપથી મોરબીના હજારો સિરામિક એકમોના ઉત્પાદન અને કામગીરી પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે.

ભારત દર વર્ષે 2.7 કરોડ ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)ની આયાત કરે છે જે પૈકી 40 ટકા ખરીદી કતાર પાસેથી કરવામાં આવે છે. આ ગેસનો ઉપયોગ વીજળી ઉત્પાદન, ખાતર નિર્માણથી લઇને સીએનજી અને પાઇપવાળુ રસોઇ ગેસ (પીએનજી) જેવા પ્રમુખ ક્ષેત્રોમાં થાય છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગેસ આયાત કરનાર કંપની પેટ્રોનેટ એલએનજી લિમિટેડને ગેસ વિતરણ કંપનીઓને જણાવ્યું છે કે ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓનાં જવાબમાં ઇરાન દ્વારા ખાડી દેશો પર કરવામાં આવી રહેલા સતત હુમલાઓને કારણે કતારે પોતાનું એલએનજી ઉત્પાદન બંધ કરી દીધું છે.

આ હુમલાઓને કારણે હોર્મુઝ સમુદ્ર માર્ગનાં માધ્યમથી ઓઇલ અને એલએનજીનું પરિવહન બંધ થઇ ગયું છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ઓઇલ અને ગેસનાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત યુદ્ધ જોખમ વિમા અને શિપિંગ ખર્ચમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. કતાર દ્વારા ઉત્પાદન અટકાવી દેવાતા ભારતની ગેસ પૂરવઠો પૂરો પાડતી કંપનીઓએ ઉદ્યોગોને ગેસ આપવાનું મર્યાદિત કરી નાખ્યું છે. કતાર દ્વારા ઉત્પાદન બંધ કરી દેવાતા પુરવઠા ખેંચ ઊભી થવા ચિંતા પ્રવર્તી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *