ઉતરાયણ પૂર્વે ઠંડીમાં ઘટાડો, કાલે પવન મોજ કરાવશે

પતંગબાજો માટે ખુશ ખબર, 5થી 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવતીકાલે પતંગ પર્વ ઉતરાયણની ઉજવણી થનાર છે. તે પુર્વે આજથી ઠંડીમાં આંશીક ઘટાડો થયો…

પતંગબાજો માટે ખુશ ખબર, 5થી 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવતીકાલે પતંગ પર્વ ઉતરાયણની ઉજવણી થનાર છે. તે પુર્વે આજથી ઠંડીમાં આંશીક ઘટાડો થયો છે અને ઉતરાયણના દિવસે પતંગબાજોને મોજ પડી જાય તેવો પવન નિકળવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

આજે પણ ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર નલીયા રહ્યું હતું અને નલીયામાં 7.6 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. જયારે રાજકોટમાં 11.1, ભુજમાં 11, અમરેલીમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

બીજી તરફ, ગુજરાતીઓના સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી છે. ધાબા પર સાઉન્ડ સિસ્ટમ અને ફિરકીઓ તૈયાર છે, પરંતુ પતંગરસિયાઓના મનમાં એક જ સવાલ હતો કે “પવન સાથ આપશે કે કેમ?”. હવે આઇએમડી દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે 14 અને 15 જાન્યુઆરીના રોજ રાજ્યમાં પવનની સરેરાશ ઝડપ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

આ ઝડપ પતંગને આકાશમાં સ્થિર રાખવા અને પેચ લડાવવા માટે આદર્શ માનવામાં આવે છે. 14 જાન્યુઆરી: પવન મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશાનો રહેવાની શક્યતા છે. 15 જાન્યુઆરી: વાસી ઉત્તરાયણે પણ પવન ઉત્તર પશ્ચિમ દિશા તરફથી ફૂંકાશે. સૌરાષ્ટ્ર ઝોન: સૌરાષ્ટ્રના પતંગબાજો માટે પવન ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાઈ શકે છે. આમ, આકાશમાં ’કાઈપો છે’ ના નાદ સાથે તહેવારની ઉજવણી કરવામાં પવન વિઘ્ન નહીં બને. પવન સાથ આપશે, પરંતુ પતંગબાજોએ ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ કપડાં તૈયાર રાખવા પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. જોકે, તાપમાનમાં વધ ઘટ જોવા મળશે. આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થશે, પરંતુ ત્યારબાદના 4 દિવસમાં પારો 2 થી 3 ડિગ્રી ગગડી શકે છે. જેના કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધશે. રાજ્યનું સરેરાશ તાપમાન લઘુતમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે. ટુંકમાં, આ વખતની ઉત્તરાયણ પતંગરસિયાઓ માટે યાદગાર બની રહેશે, કારણ કે પવનનો પૂરો સાથ મળશે, બસ શરત એટલી કે ઠંડીથી બચવાની તૈયારી રાખવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *