દેવભૂમિ દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં ગઈકાલે ગુરુવારે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી એકાએક ઉગ્ર બની જતા બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અંગેની મળતી માહિતી મુજબ રૂૂપેણ બંદર ખાતે હોડી નજીક પાર્કિંગ કરવા બાબતે શરૂૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષોએ એકબીજા સામે હુમલો કર્યો હતો.
આ ઘટનામાં કુલ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આસપાસના લોકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ઘવાયેલાઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જેમાંથી એક વ્યક્તિની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે જામનગર ખાતે રિફર કરવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે ઇજાગ્રસ્તો તથા સાક્ષીઓના નિવેદનો લઇ તપાસ શરૂૂ કરી છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આ બનાવના કારણે આ વિસ્તારમાં થોડીવાર માટે તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસની તાત્કાલિક કામગીરીને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને પરિસ્થિતિ સામાન્ય બની રહી હતી.
