રાસ-ગરબામાં બહેનને હાથ અડી જવા મુદ્દે ભાઇએ આપેલા ઠપકાનો ખાર રાખી ચાર શખ્સો તૂટી પડ્યા, પોલીસે બચાવવાના બદલે મૂકપ્રેક્ષક બની તમાસો નિહાળ્યાનો આરોપ
રાજકોટમાં ગઇકાલે રાવળ સમાજ દ્વારા રતનદાસ બાપુની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાસ રમતી વખતે યુવતીને હાથ અડી જવા મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી રેલી શાસ્ત્રી મેદાનમાં પહોંચતા યુવતીના ભાઇ ઉપર ચાર જેટલા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રેલી દરમિયાન પોલીસની હાજરીમાં બઘડાટી બોલી હતી.તેમ છતા પોલીસ બચાવવા વચ્ચે પડી નહીં હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર નાણાવટી ચોક નજીક આવેલી પરમેશ્વર સોસાયટીમાં રહેતા દિવ્યેશ મુકેશભાઇ ભોજક નામનો 26 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં શાસ્ત્રી મેદાનમાં હતો ત્યારે મનીષ સહીતના ચાર શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પીટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડીવીઝન પોલીસને જાણ કરતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં રાવલ સમાજ દ્વારા ગઇકાલે રતનદાસ બાપુની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન મોટી ટાંકી ચોક પાસે રાસ ગરબા રમતી વખતે હુમલાખોર શખ્સનો હાથ ઇજાગ્રસ્ત યુવકની બહેનને અડી ગયો હતો. જે મુદ્ે ઠપકો આપ્યો હતો. જે ઠપકાનો ખાર રાખી રેલી શાસ્ત્રી મેદાનમાં પહોંચતા યુવતીના ભાઇ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત યુવકના પિતાએ આક્ષેપ કર્યો છે કે રેલીમાં પોલીસ બંદોબસ્ત હતો અને પોલીસની હાજરીમાં હુમલાખોર શખ્સોએ હુમલો કરી બઘડાટી બોલાવી હતી. તેમ છતા પોલીસ બચાવવા આવી ન હતી અને મુક પ્રેક્ષક બનીને તમાસો જોઇ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
