સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં અવાર નવાર તબીબો-સિકયુરીટી સ્ટાફ સાથે દર્દીના પરિવારજનો વચ્ચે ઘર્ષણ થતા હોવાના બનાવો સામે આવતા રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં સિકયુરીટી અને દર્દીના પરિવારજનો વચ્ચે ધબધબાટી બોલી જતાં લોકોના ટોયા એકઠા થયા હતા.જાણવા મળતી વિગત મુજબ મુળ જસદણના દોલપરની વતની અને હાલ શાપર- વેરાવળમાન રહેતી દયા પોપટભાઇ સોંદરવા (ઉ.વ.20) નામની યુવતીને ત્રણ દિવસ પહેલા આંચકીની બિમારી સબબ સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા તેણીને ઇમરજન્ી બિલ્ડીંગમાં બીજા માળે વોર્ડ નં.7માં દાખલ કરી હતી અને સારવાર ચાલુ હતી.
યુવતી પાસે એક પરિવારજન હતા અને બીજા લોકો હોસ્પીટલ કમ્પાઉન્ડમાં રહેતા હતા. દરમિયાન દયાને આંચકી આવતા તેણી એક વ્યકિતથી પકડાતી ન હોય જેથી અન્ય પરિવારજનો વોર્ડમાં ઉપર જતા હતા. જો કે દર્દી પાસે એક જ સગાએ રહેવાનો નિયમ હોવાથી સિકયુરીટી સ્ટાફ દ્વારા પરિવારજનોને વોર્ડમાં જતા અટકાવાયા હતા. જેથી દર્દીના પરિવારજનો અને સિકયુરીટી સ્ટાફ વચ્ચે બોલાચાલી થતા ધબધબાટી બોલી ગઇ હતી. જેને પગલે સિવિલ હોસ્પીટલના ઇમરજન્સી વિભાગ પાસે લોકોના ટોળા ઉમટી પડયા હતા.બનાવની જાણ થતા સિકયુરીટીના અધિકારી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને દર્દીના પરિવારને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
