નીલ સિટી ક્લબના ગરબામાં આયોજકો-VHP વચ્ચે બઘડાટી

ગરબામાં બોલિવૂડ-હોલિવૂડ ગીતો ઉપર કઢંગા ડાન્સના મુદ્દે બબાલ, પોલીસે કોઇ પગલાં નહીં ભરતા વિશ્ર્વ હિંદુ પરિષદના કાર્યકરોનું હલ્લાબોલ તમે નાટક કરવા આવ્યા છો? લડવું છે?…

ગરબામાં બોલિવૂડ-હોલિવૂડ ગીતો ઉપર કઢંગા ડાન્સના મુદ્દે બબાલ, પોલીસે કોઇ પગલાં નહીં ભરતા વિશ્ર્વ હિંદુ પરિષદના કાર્યકરોનું હલ્લાબોલ

તમે નાટક કરવા આવ્યા છો? લડવું છે? લડવું છે? તો વયા જાવ… શાંતિથી વાત નથી કરવી: ઇન્દ્રનીલે ડોળા કાઢી કાઢીને હિંદુ કાર્યકરોને ધમકાવ્યા

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની છત્રછાયા હેઠળ યોજાતા નીલસિટીના રાસોત્સવમાં રાસ-ગરબાના બદલે બોલિવૂડ-હોલિવૂડના માદક ગીતો ઉપર કઢંગા ડાન્સ કરવા તથા વિધર્મીઓને પ્રવેશ આપવા સહિતની બાબતો અંગે ગતરાત્રે વિશ્ર્વહિંદુ પરિષદના કાર્યકરોએ નીલસિટીના ગરબામાં હલ્લાબોલ કરતા ભારે ગરમા ગરમી સાથે બઘડાટી બોલી ગઇ હતી. ગરબાના અન્ટ્રી ગેઇટ ઉપર જ વી.હી.પીના કાર્યકરોના ટોળાએ વિધર્મીઓને એન્ટ્રી બાબતે દેખાવો યોજતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તેની સ્ટાઇલ મુજબ સટાસટી બોલાવતા વી.હી.પી.ના આગેવાનો અને ઇન્દ્રનીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હો…હા… ગોકીરો મચી જતા અડધી રાત્રે વાતાવરણ તંગ થઇ ગયું હતું.

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ડોળા કાઢી-કાઢીને વિશ્ર્વહિંદુ પરિષદના કાર્યકરોને ધમકાવ્યા હતા અને ડરાવ્યા પણ હતા અંતે વાતાવરણ ઉગ્ર બનતા વી.હિ.પી.ના કાર્યકરોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા અને પછી બહારથી જ ચાલતી પકડી હતી. આ બબાલનો વીડિયો આગની માફક વાયરલ થયો છે જેના નીલસિટી ગરબાના એન્ટ્રી પોઇન્ટ ઉપર જ વી.હી.પીના આગેવાનો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ઉગ્ર ધમાલ જોવા મળી રહી છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, વિશ્ર્વહિંદુ પરિષદના કાર્યકરો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ઉગ્ર દલિલબાજી થાય છે અને વિરિંપ તરફથી નમ્રતાથી વાત કરતા જણાવાતા ઇન્દ્રનીલ ઉગ્ર અવાને કહે છે કે, માર નમ્રતાથી વાત નથી કરવી, શું કરી લઇશ ? સાથે જણાવે છે તમે નાટક કરવા આવ્યો છો ? તમારે કે તમારરા પક્ષે નિયમ નક્કી કરવાના છે ? લડવુ છે?… લડવુ છે?…લડવુ છે?, નો લડવુ હોય તો વયા જાવ.
સામાપક્ષે શાંતિથી વાત કરવા જણાવતા ઇન્દ્રનીલ ફરી કહે છે કે, મારે શાંતિથી વાત નથી કરવી.. આ દરમિયાન ઉગ્ર ગરમા ગરમી થતા ‘જય જય શ્રી રામ’ના નારા લાગે છે અને સભ્યતાથી વાત કરવા તથા હાથ ચાલાકી નહીં કરવા જણાવાય છે અને હોહા દેકારા બાદ મામલો થાળે પડે છે.

આ બોલાચાલી દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ VHPના કાર્યકરોને ભાજપના માણસો ગણાવ્યા હતા અને તેમને અપશબ્દો પણ કહ્યા હતા. વીડિયોમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ સ્પષ્ટપણે ધમકી આપતા સંભળાય છે, અમારે ત્યાં 150 વિધર્મીઓ છે, તમે એમનો સામનો કરી શકશો?

સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. VHPએ નવરાત્રિના આ પવિત્ર પર્વમાં ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ મામલાને રાજકીય રંગ આપતા જણાવ્યું કે કાર્યકરો રાજકીય બદઈરાદાથી આવ્યા છે.

નોંધનીય છે કે, બે દિવસ પહેલાં પણ આ જ ક્લબમાં અર્વાચીન ગરબા દરમિયાન અભદ્ર ગીતો વગાડવાને લઈને વિવાદ થયો હતો. આ તાજા વિવાદે નવરાત્રિના આયોજનોમાં સુરક્ષા અને ધાર્મિક પરંપરાના પાલન અંગે ફરી એકવાર મોટો પ્રશ્ન ઊભો કર્યો છે.

ઇન્દ્રનીલ 150 નહીં 1500 વિધર્મીને બોલાવો અમે લડવા તૈયાર: મંગેશ દેસાઇ
બજરંગદળના મંગેશભાઇ દેસાઇ અને વિશ્ર્વહિંદુ પરિષદના આગેવાનોએ જણાવ્યુ હતું કે, ગઇકાલે અમે અનેક ગરબા ચેકિંગ માટે ગયા હતા. ત્યા તમામ આયોજકોએ સહકાર આપ્યો હતો. નીલસિટી કલબમાં પણ ચેકિંગમાં ગયેલ ત્યારે આયોજકોને બોલાવી વાતચીત ચાલતી હતી. ત્યારે ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય. તેનું વાણી-વર્તન ખરાબ હતુ અને ગાળી ગલોચ કરી હતી. તેથી પોલીસે મધ્યસ્થી કરેલ અમે માત્ર જાગૃતિ માટે જ ગયા હતા પરંતુ આયોજકે અભિમાનની ભાષામાં વાત કરી હતી અને કાર્યકરો સાથે ગાળાગાળી કરી 150 વિધર્મીને હું મોકલીશ તેની સામે લડવા માટે તેમ તૈયાર છો ? તેવું જણાવેલ, મંગેશભાઇ દેસાઇએ ઇન્દ્રનીલને પડકાર ફેંકતા જણાવેલ કે, આ 150 નહીં 1500 લોકોને બોલાવો અમે લડવા તૈયાર છીએ સ્થળ અને સમય આપનો આપ ધર્મ અને સંસ્કૃતિ વિષે જાણો. આરાધના કરવા માટે કયાંય ડિસ્કો કરવાની જરૂર નથી.

ભાજપ મતના રાજકારણ માટે આવા લોકોને ભરમાવે છે: ઇન્દ્રનીલ
નીલ સિટી કલબમાં થયેલ બબાલ અંગે આયોજક ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવેલ કે, ગઇકાલે કેટલાક લોકો આવ્યા હતા. હું પોલીસના આગ્રહથી દરવાજાની બહાર તેમજે મળ્યો હતો અને મે તેમને ધર્મ સમજાવતા રાજીખુશીથી પરત ચાલ્યા ગયા હતા. આવા લોકોને ભાજપ મતના રાજકારણ માટે મોકલે છે. પોલીસ તેની સામે કેસ કરે પછી તેનો કોઇ ભાવ પૂછતું નથી. આ સાથે ઇન્દ્રનિલ રાજ્યગુરુએ જણાવ્યુ હતુ કે, અમારે કોઇ બોલાચાલી નથી થઇ. હું બોલ્યો હતો અને તેમણે સાંભળ્યુ હતું મેં તેમને ધર્મ સમજાવ્યો અને પછી તે જતા રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *