રાજકોટના કાલાવડ રોડ પર ભીમનગર ગેટ નંબર 2 પાસે રવિવારે બપોરે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રથમ ફરિયાદ મુજબ,નાનામવા મેઈન રોડ ભીમનગરમાં રહેતા રવિરાજ બાબુભાઈ વઘેરાએ આક્ષેપ કર્યો છે કે, રવિવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં આરોપી રઉફ ઉર્ફે મુન્નો ફુફાર જાહેરમાં પેશાબ કરી રહ્યો હતો.
રવિરાજે તેને જાહેરમાં પેશાબ કરવાની ના પાડતા રઉફ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન રઉફે છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રવિરાજના પિતા બાબુભાઈએ વચ્ચે પડીને તેને ત્યાંથી છોડાવી ઘરે લઈ ગયા હતા. જોકે, વિવાદ અહીં શાંત પડવાને બદલે વધુ વકર્યો હતો.
બપોરે આશરે ચાર વાગ્યે રઉફનો પુત્ર અરમાન રવિરાજના ઘરે ગયો હતો અને ’બાજવું હોય તો ડેલે આવી જજો’ તેવી ધમકી આપી હતી. આ બાબતે સમાધાન કરવા માટે રવિરાજના પિતા બાબુભાઈ, માતા શાંતાબેન, ભાઈ સુનીલ અને લત્તાની અન્ય મહિલાઓ રઉફના ભંગારના ડેલે ગયા હતા.આક્ષેપ છે કે ત્યાં રઉફ, તેનો ભાઈ રિયાઝ અને પુત્ર અરમાન અનુક્રમે છરી, લાકડાનો ધોકો અને લોખંડનો પાઇપ લઈને તૈયાર હતા. વાતચીત દરમિયાન રઉફની પત્ની નશીમબેને રવિરાજના માતા સાથે ઝપાઝપી કરી હતી અને આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલી સોડાની બોટલોના છૂટા ઘા કર્યા હતા. આ હુમલામાં કાચ વાગવાથી શાંતાબેનને ડાબા કાનના ભાગે ઈજા થઈ હતી. આ મામલે તાલુકા પોલીસમાં એટ્રોસીટી એક્ટ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એસીપી વી.બી.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, સામા પક્ષમાં થોરાડામાં મનહર સોસાયટીમાં રહેતા અરમાન રઉફભાઈ ફુફારે વળતી ફરિયાદ નોંધાવતા આખી ઘટનાને અલગ જ વળાંક આપ્યો છે. અરમાનના જણાવ્યા મુજબ, રવિરાજ અને સુનીલ રવિવારે બપોરે તેના ભંગારના ડેલે આવ્યા હતા. રવિરાજે તેની પાસે હપ્તાની માંગણી કરતા જણાવ્યું હતું કે, “તારે અહીં ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે, નહીં તો તારી ઉપર ખોટી એટ્રોસીટી લગાડી ફીટ કરી દઈશું”. આક્ષેપ મુજબ રવિરાજે છરી બતાવી ડરાવી-ધમકાવીને કાઉન્ટરમાંથી રોકડા રૂૂ.15,000 બળજબરીપૂર્વક લૂંટી લીધા હતા.આ ઘટના બાદ અરમાન અને તેના કાકા રિયાઝ જ્યારે બાબુભાઈના ઘરે પૈસા પાછા માંગવા ગયા,ત્યારે બાબુભાઈ સૂતા હોવાનું કહીને તેમને પરત મોકલી દેવાયા હતા.
અરમાનની ફરિયાદ મુજબ, સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ બાબુભાઈ વઘેરા લોખંડનો પાઈપ લઈને તેમના ડેલે આવ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ રવિરાજ, સુનીલ, શાંતાબેન અને ધારાબેન પણ ધોકા, પાઈપ અને સોડાની બોટલો લઈને ધસી આવ્યા હતા. સુનીલે સોડાની બોટલોના ઘા કર્યા હતા, જ્યારે બાબુભાઈએ અરમાનને પગના ભાગે લોખંડનો પાઈપ માર્યો હતો.
આ ઉપરાંત, શાંતાબેન અને ધારાબેને અરમાનના માતા નસીમબેન સાથે ઝપાઝપી કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જતી વખતે આરોપીઓએ ધંધો ખોલશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું અરમાને જણાવ્યું છે. હાલમાં રાજકોટ તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે ગુનો નોંધી આ સમગ્ર બનાવ પાછળના મૂળ કારણોની ઊંડી તપાસ શરૂૂ કરી છે.
