ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે જમીન અને રસ્તાના જૂના વિવાદને કારણે કૌટુંબિક ભાઈઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ધાર્મિક પ્રસંગ ’તાવો’ કરવા બાબતે શરૂૂ થયેલા ઝઘડામાં મહિલા સહિત પરિવારના સભ્યો પર ઈંટોના ઘા મારી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ખાંડાધાર ગામના રહેવાસી 45 વર્ષીય રંજનબેન ભુપતભાઈ મકવાણા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, 9 ઓગસ્ટ, 2026 ના રોજ સાંજે છ વાગ્યે રંજનબેનનો પુત્ર વિશ્વાસ તેની કાર લઈને વાડી નજીક આવેલા ચામુંડા માતાજીના મઢે તાવો કરવા ગયો હતો. તે સમયે કૌટુંબિક ભાઈઓ સુરેશભાઈ વલ્લભભાઈ મકવાણા, મુકેશભાઈ વલ્લભભાઈ મકવાણા, પ્રકાશભાઈ સુરેશભાઈ મકવાણા અને જીગો મુકેશભાઈ મકવાણા ત્યાં આવ્યા હતા. તેઓએ વિશ્વાસ સાથે બોલાચાલી કરી અને “અહીં તાવો કરવા આવવું નહીં, નહિતર અહીંથી નીકળવું નહીં” તેમ કહી ગાળો આપી હતી.
ત્યારબાદ રંજનબેન અને તેમના અન્ય પરિવારજનો ઘટનાસ્થળે પહોંચતા, સામા પક્ષના મંજુબેન સુરેશભાઈ, ભાવનાબેન રાજેશભાઈ, કૈલાશબેન મુકેશભાઈ, જયાબેન વલ્લભભાઈ અને શીલાબેન અજિતભાઈ મકવાણા સહિતના લોકો ભેગા થઈ ગયા હતા. આરોપ છે કે મહિલા આરોપીઓએ છૂટા ઈંટોના કટકાના ઘા કર્યા હતા અને ઢીકાપાટુનો માર મારી રંજનબેનને નીચે પછાડી દીધા હતા.
આ ઘટનામાં સુરેશભાઈ વલ્લભભાઈ મકવાણા, મુકેશભાઈ વલ્લભભાઈ મકવાણા, પ્રકાશભાઈ સુરેશભાઈ મકવાણા, જીગો મુકેશભાઈ મકવાણા, મંજુબેન સુરેશભાઈ મકવાણા, ભાવનાબેન રાજેશભાઈ મકવાણા, કૈલાશબેન મુકેશભાઈ મકવાણા, જયાબેન વલ્લભભાઈ મકવાણા અને શીલાબેન અજિતભાઈ મકવાણા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસે ઇગજની કલમ 115(2), 189(2), 190, 191(2), 125(ફ), 352, 351(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ મનુભાઈ બોરીચા ચલાવી રહ્યા છે.
