પોણા વિઘા જમીન બાબતે એક બીજા ઉપર હુમલો કર્યો, સામ-સામે પોલીસ ફરિયાદ
વીરપુરના લુણાગરા ગામે પિતાની વારસાઈ જમીનની માપણી અને સીમાના વિવાદમાં બે સગા ભાઈઓ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. જમીનના ત્રણ ક્યારા (પોણા વીઘા) બાબતે થયેલી આ માથાકૂટમાં બંને ભાઈઓએ એકબીજા પર પાવડા અને પાવડાના હાથા વડે હુમલો કરતા બંને લોહીલુહાણ થયા હતા. આ મામલે વીરપુર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, લુણાગરા ગામની સીમમાં રેવન્યુ સર્વે નંબર 46 માં કેશવભાઈ પુનાભાઈ ભુવાના નામે આશરે 20 વીઘા જમીન આવેલી છે. આ જમીનમાં ત્રણ ભાઈઓ પૈકી મોટા ભાઈ રસિકભાઈ અને નાના ભાઈ રાજેશભાઈ પોતપોતાના ભાગે આવેલી જમીનમાં ખેતી કરે છે. વિવાદ ત્યારે શરૂૂ થયો જ્યારે નાના ભાઈ રાજેશભાઈએ ખેતર ફરતે તારની ફેન્સિંગ કરવા માટે તાજેતરમાં પ્રાઇવેટ સર્વેયર દ્વારા જમીનની માપણી કરાવી હતી. ગઈ તારીખ 26 એપ્રિલ 2026ના રોજ સવારે આશરે સાત વાગ્યે જ્યારે બંને ભાઈઓ વાડીએ હાજર હતા, ત્યારે રાજેશભાઈએ માપણી મુજબ પોતાની પોણા વીઘા જમીન રસિકભાઈના ભાગમાં નીકળતી હોવાનું કહી દાટેલી ટપક સિંચાઈની પાઈપલાઈન કાઢી લેવા જણાવ્યું હતું. આ બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. રસિકભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રાજેશે ઉશ્કેરાઈને પાવડા વડે હુમલો કરતા તેમને આંખના ઉપરના ભાગે ઇજા થઈ હતી અને ટાંકા આવ્યા હતા.
બીજી તરફ, રાજેશભાઈએ કરેલી ફરિયાદ મુજબ, રસિકભાઈએ પાવડાના હાથા વડે હુમલો કરતા તેમને માથામાં ગંભીર ઇજા થઈ હતી, જેમાં નવેક જેટલા ટાંકા આવ્યા છે અને ડાબા હાથના અંગુઠા તથા આંગળીમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી છે.
પોલીસ કાર્યવાહી: બંને ભાઈઓને જેતપુર અને ત્યારબાદ જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તબિયત સુધરતા બંનેએ તારીખ 29 એપ્રિલના રોજ વીરપુર પોલીસ મથકે એકબીજા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 115(2), 118(1), 352 તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બી.જે. ચાચાપરાને સોંપી છે. પવિત્ર સંબંધોમાં જમીન જેવી બાબતે થયેલી આ હિંસક અથડામણ પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
