ગુજરાત સમાચારના ડિરેકટર સ્મૃતિબેન શાહનું અવસાન, અખબારી આલમમાં શોક

ગુરુવાર ગુજરાત સમાચારનાં ડિરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વનાં સંચાલક મંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતા સ્મૃતિબેન શાહે ગઇકાલે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ચિરવિદાયની સાથે ગુજરાતી અખબારી…

ગુરુવાર ગુજરાત સમાચારનાં ડિરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વનાં સંચાલક મંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતા સ્મૃતિબેન શાહે ગઇકાલે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ચિરવિદાયની સાથે ગુજરાતી અખબારી સંચાલકોમાં વિરલ પ્રતિભા તરીકે સદાય પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર પ્રત્યેની નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા અને વિશાળ લોકસંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા પણ ખાલી પડી છે.

ગુજરાત સમાચારનાં મહિલા સાપ્તાહિક પશ્રીથના તેઓ સતત ચાર દાયકા સુધી તંત્રી રહ્યાં અને ગુજરાતી લેખિકાઓનું નવું સર્જક મંડળ તેમણે સાહિત્ય અને પત્રકારત્વને ભેટ ધર્યું. ગુજરાત સમાચારની મહિલા પૂર્તિનાં સંપાદક તરીકે પણ તેમણે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું. ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રેયાંસભાઈ શાહનાં પત્ની તરીકે તેઓએ જિંદગીભર આદર્શ ભૂમિકા અદા કરી.

શ્રેયાંસભાઈનાં સાહસિક અને તટસ્થ પત્રકારત્વને કારણે સર્જાતાભિષણ સંઘર્ષકાળમાં પણ સ્મૃતિબેને ખરા અર્થમાં તેમને અર્ધાંગિની બની રહીને તેમને અડિખમ સાથે આપ્યો. ગુજરાત સમાચારનાં મેનેજમેન્ટની વિવિધ શાખાઓ માટેની વિશિષ્ટ વ્યવસ્થાપન વિદ્યા અને આધુનિક પ્રણાલિકા તેઓએ પોતાની આત્મસૂઝથી વિકસાવી.

નવી પેઢીનાં પત્રકારોનાં ઘડતરમાં પણ તેમણે ઘણું ધ્યાન આપ્યું છે. સ્ટાફમાં નવોદિત પત્રકારોને પોતાનાં સંતાનો જેટલું જ વ્હાલ આપ્યું છે અને તેમનાં માર્ગદર્શનમાં ગુજરાત સમાચારની વિવિધ બ્રાંચોમાં એટલે કે વિવિધ આવૃત્તિઓમાં તૈયાર થયેલા પત્રકારોનો એક મોટો સમુદાય આજે ભીની આંખે પોતાનાં પરનું શિરછત્ર જતું રહ્યું હોય તેવો વિષાદ અનુભવે છે.

સદગતની અંતિમયાત્રા આજે સવારે 8.30 વાગે જી.એસ.ટી.વી. હાઉસ, ઈસ્કોન મંદિરની બાજુમાંથી નીકળી હતી અને થલતેજ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *