ગોંડલના કેન્સરગ્રસ્ત મહિલાની યોગ્ય સારવાર બાદ સુરેન્દ્રનગર આશ્રમમાં મોકલાયા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અજાણયા અને બીનવારસુ દર્દીઓ માટે હેલ્પ ડેસ્કની ટીમ આર્શીવાદ સમાન બની રહી છે. ત્યારે આવા જ એક વધુ બનાવમાં ગોંડલના કેન્સર ગ્રસ્ત મહિલા સારવારમાં આવતા તબીબો દ્વારા તેમની યોગ્ય સારવાર કરી સ્વસ્થ કર્યા બાદ તેમને ડીસ્ચાર્જ કરાતા 5રિવારજનોએ કોઇ જવાબદારી ન લેતા હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા મહિલાની વ્હારે આવે તેમને પુન:વસન માટે યોગ્ય વ્યવસ્થા કરી સુરેન્દ્રનગર આશ્રમમાં આશ્રરો અપાવી સરાહનીય કામગીરી કરી હતી.
ગોંડલમાં રહેતા કૌશરબાનું ઈબ્રાહીમભાઈ છેલ્લા ઘણા વર્ષોથી કેન્સરની ગંભીર બીમારીથી પીડિત હતા. અગાઉ તેમનું સફળ ઓપરેશન પણ થઈ ચૂક્યું હતું, પરંતુ સમય જતાં ફરી ગભરામણ, કમજોરી અને અન્ય તકલીફો શરૂૂ થતા તેમની તબિયત બગડવા લાગી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા તેમને ગોંડલ સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. દર્દીના ઘરે પરિવાર હોવા છતાં તેમની યોગ્ય દેખભાળ થતી ન હતી, જેના કારણે તેઓ માનસિક અને શારીરિક રીતે વધુ નબળા બની ગયા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમને મેડિસિન વોર્ડમાં દાખલ કરાતા તબીબોની ટીમે સંપૂર્ણ સમર્પણ અને સંવેદનશીલતા સાથે દર્દીની સારવાર કરી, દવાઓ, તપાસો અને કાઉન્સેલિંગ દ્વારા તેમની તબિયત ધીમે ધીમે સુધારવામાં આવી. લાંબા સમયની સારવાર અને કાળજી બાદ કૌશરબાનું સંપૂર્ણપણે સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની મંજૂરી આપી. જોકે, પરિવાર તરફથી કોઈ જવાબદારી લેવામાં ન આવતા તેમના ભવિષ્ય અંગે પ્રશ્ન ઊભો થયો હતો.
આ સમયે રાજકોટ સિવિલ હોસ્પિટલની હેલ્પ ડેસ્ક ટીમે મહત્વની ભૂમિકા ભજવી. દર્દીના પુનર્વસન માટે આશ્રયની વ્યવસ્થા કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા. અંતે તેમને આશ્રય માટે સુરેન્દ્રનગર સ્થિત નિરાંત ઘર આશ્રમમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમગ્ર વ્યવસ્થામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મોનાલીબેન માકડિયા, આર.એમ.ઓ. તથા હેલ્પ ડેસ્કના નોડલ ઓફિસર ડો. હર્ષદ દૂસરા, તેમજ એચ.આર. મેનેજર ભાવનાબેન સોનીના માર્ગદર્શન હેઠળ હેલ્પ ડેસ્ક ટીમ કાર્યરત છે અને ડોક્ટરો તથા સિવિલ હોસ્પિટલના બધા વર્ગોના કર્મચારીઓના સહયોગથી સમગ્ર પ્રક્રિયા સફળ બની. સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને સુરક્ષિત રીતે આશ્રમ સુધી પહોંચાડવામાં આવ્યા.
