દારૂ પીને આવી કર્મચારીઓને હેરાન કરતા હોવાની રાવ, 30 દિવસ નોકરી કરાવી 26 દી’નો ચૂકવાતો પગાર : હોસ્પિટલ ચોકમાં ધરણાં
રાજકોટ સિવિલ હોસ્પિટલ સાવાર માટે પ્રખ્યાત છે તેટલી વિવાદોના કારણે કુખ્યાત છે અવાર નવાર વિવાદમાં રહેલી સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં સુપવાઈઝરના ત્રાસથી સિક્યુરીટી ગાર્ડ દ્વારા હોસ્પિટલ ચોકમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ધરણા કરવામાં આવ્યા છે.
આ અંગે ધરણા પર બેઠેલા 17 જેટલા સિક્યુરીટી ગાર્ડ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સિવિલમાં નાઈટમાં સુપરવાીઝરનો ત્રાસ વધી ગયો છે. રાતે દારૂ પી આવી અને સિક્યુરીટી ગાર્ડને પરેશાન કરવામાં આવે છે. મહિલા ગાર્ડ સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે. અને ક્યારેક કોઈ એવો બનાવ બનશે તેની જવાબદારી કોણ લેશે? આ બાબતે અનેક વખત કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. અને છુટા કરવાની ધમકી આપવામાં આવે છે.
વધુમાં કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા 30 દિવસની હાજરી પુરાવામાં આવે છે. અને પગાર માત્ર 26 દિવસનો જ ચુકવવામાં આવી રહ્યો છે. રજા રાખે તો તેનો પગાર કાપી લેવામાં આવે છે. અને આ બાબતે રજૂઆત કે અવાજ ઉઠાવીએ તો નોકરી પરથી સીધા કાઢી મુકવાની ધણકી આપવામાં આવે છે. સિવિલમાં સિક્યુરીટી ગાર્ડનું કોન્ટ્રાક્ટર દ્વારા આર્થિક અને શારીરીક શોષણ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સુપરવાઈઝરની હેરાનગતિ, પગાર સહિતના મુદ્દે આજે ફરીથી સિવિલ અધિક્ષકને મળી રજૂઆત કરવામાં અવી હતી. અને યોગ્ય કરવા માંગણી કરી હતી જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. હાલ કર્મચારીઓને છુટા કરી દેવાતા રોષ ફેલાયો છે.
મહિનાની ચાર રજાની જોગવાઈનો ઉલાળિયો
સરકારના ધારાધોરણ મુજબ કર્મચારીઓને મહિનામાં ચાર રજાની જોગવાઈ આપવામાં આવે છે. પરંતુ સિવિલમાં સિક્યુરીટીના કોન્ટ્રાક્ટર દ્વારા આ જોગવાઈનો ઉલાળ્યો કરવામાં આવે છે. અને મહિનામાં એક પણ રજા આપવામાં આવતી નથી. જે રજા રાખે તેનો પગાર કાપી લેવામાં આવતો હોવાના આક્ષેપ કર્યા હતાં.
