2 ENT, 2 સર્જન, મેડિકલ ઓફિસર સાથે ઓર્થોપેડિક તબીબ અને નર્સિંગ સ્ટાફ તૈનાત રહેશે:ડો.મોનાલી માંકડિયા
મકરસંક્રાંતના તહેવારને આડે હવે બે દિવસ બાકી છે. ઉતરાયણ ઉપર એકતરફ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે. પણ બીજી તરફ પતંગના આ ઉત્સવમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે આવતી હોય છે અને ખાસ કરીને ઇમરજન્સી કેસોમાં વધારો થાય છે. ત્યારે ઉતરાયણના તહેવારમાં અકસ્માતના વધતા બનાવોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરું આયોજન કર્યું છે. તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાના નિરીક્ષણ હેઠળ વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે વધારાનો સ્ટાફ અને બે ઓપરેશન થીયેટર તેમજ 2 ઈ.એન.ટી તીબીબ ઉપરાંત 2 સર્જન અને 2 મેડીકલ ઓફિસર ઉપરાંત 2 ઓર્થોપેડિક તબીબ ફરજ ઉપર તૈનાત રહેશે.
મકરસંક્રાતિના તહેવારમાં પતંગની દોરોથી ગળામાં ઇજા થવાના અને ધાબા ઉપરથી પડી જવાના કેસો વધુ નોંધાતા હોય છે. દર વર્ષે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 14 જાન્યુઆરીના દિવસે 20 થી 30 જેટલા કેસો નોંધાતા હોય છે. આવા કેસોમાં ઘણીવખત વધારો જોવા મળે છે એક સાથે વધુ કેસ આવતા હોય હોસ્પિટલમાં અફરાતફરી સર્જાય છે. જેને લઈને આ વખતે અત્યારથી જ ઉત્તરાયણમાં પતંગના દોરાથી, પડી જવાથી કે વીજ શોક લાગવાથી થતી ઇજાઓમાં તુરંત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાએ ગુજરાત મિરર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, મકરસંક્રાંતિનાં દિવસે દોરાથી ગંભીર ઇજા થવી, અગાસી કે ધાબા પરથી પડી જતા ઇજા તેમજ અમુક કિસ્સાઓમાં વિજશોક લાગવાથી ઇજા થવાના વિવિધ બનાવો સામે આવતા હોય છે. જેને પહોંચી વળવા માટે ખાસ બે ઓપરેશન થીયેટર અને ઈમરજન્સી સારવાર માટે વધારનનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ઇમરજન્સી વિભાગમાં નાના-મોટા સ્ટીચીસ વગેરે લઈ શકાય તે માટેનું મીની ઓપરેશન અને મેડિકલ ઓફિસર સહિતની ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલનાં વધારાના તબીબ અને નર્સિંગ સ્ટાફને જવાબદારી સોપાઈ છે. ઉતરાયણ ઉપર સામાન્ય કરતા ઈમરજન્સીના કેસ વધુ આવે છે.
જેની સામે વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં 2 ઈ.એન.ટી તીબીબ ઉપરાંત 2 સર્જન અને 2 મેડીકલ ઓફિસર ઉપરાંત 2 ઓર્થોપેડિક તબીબ ફરજ ઉપર તૈનાત રહેશે. ઉપરાંત તમામ જરૂૂરી દવાઓ અને ઇન્જેક્શનો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
આ પ્રકારની ઇજાઓમાં બધી સારવાર એક જ સ્થળે મળી જાય તે માટેનું આયોજન કરાયું છે. ઉત્તરાયણને પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે અને ઉતરાયણના દિવસે આવતા કેસોને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
