રાજકોટ: વાઈબ્રન્ટ સમિટમાં “ઉર્જા ક્ષેત્રના” ૩.૨૨ લાખ કરોડના MOU

  સૌર ઉર્જા ક્ષેત્રના વડાપ્રધાનના વ્યાપક, વિશાળ અને દૂરંદેશી વલણને પરિણામે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો -પિયુષ ગોયલ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૌશિક વેકરીયા તથા ઋષિકેશ…

 

સૌર ઉર્જા ક્ષેત્રના વડાપ્રધાનના વ્યાપક, વિશાળ અને દૂરંદેશી વલણને પરિણામે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો -પિયુષ ગોયલ

મંત્રી જીતુભાઈ વાઘાણી, કૌશિક વેકરીયા તથા ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ – ઉર્જા વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓનું સન્માન

રાજકોટ તા. ૧૨ જાન્યુઆરી – વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં “ઉર્જા ક્ષેત્રના સશક્તિકરણ” અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં પી. એમ. કુસુમ (કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહા અભિયાન) અને પી.એમ. સૂર્યઘર મુફત બિજલી યોજના તથા ઉર્જા વિભાગની અન્ય યોજનાના લાભાર્થીઓનુ સન્માન કરાયું હતું. આ પ્રસંગે રૂપિયા. કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રૂ. ૩.૨૨ લાખ કરોડના એમ.ઓ.યુ. થયા હતા.

કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજય મંત્રી પિયુષ ગોયલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સૌર ઉર્જા ક્ષેત્રના વડાપ્રધાનશ્રીના વ્યાપક, વિશાળ અને દૂરંદેશી વલણને પરિણામે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે. સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાની નીતિથી આવનારા સમયમાં પર્યાવરણનું પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણની સુરક્ષા થશે. સૌર ઉર્જા ક્ષેત્રે કરેલું એક જ વારનું રોકાણ જિંદગીભરની બચત બની જાય છે. ગેસ-પેટ્રોલ-ડીઝલ જેવા પરંપરાગત ઊર્જાના સાધનો ખતમ થવાના આરે છે, ત્યારે સૌર ઊર્જાના વિકલ્પ થકી નવા વિશ્વનું નિર્માણ કરવાની શક્યતા ઉજળી બની છે. 100 ગીગા વોટના પ્લાન્ટ વડાપ્રધાનના કાર્યકાળમાં ઇન્સ્ટોલ થયા છે ત્યારે ભારત દેશ ઉર્જા ક્ષેત્રે નવી જ સંકલ્પના સાકાર કરવા સમર્થ બન્યો છે.

મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અહીં વાઇબ્રન્ટ સમિટમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ભારત માટે ૨૧મી સદીના પ્રભાતનો જાણે ગુજરાતથી આરંભ થયો છે. કારણ કે વર્ષો પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનને મજબૂત બનાવવાની શરૂઆત કરી હતી, નવી દિશા આપી હતી. રાષ્ટ્રપિતા ગાંધીજીએ આપેલા સ્વચ્છતા રાખવા અને સ્વદેશી અપનાવવાના સંકલ્પને પ્રધાનમંત્રીશ્રીએ આગળ ધપાવયો છે. ગુજરાતમાં ૨૦૨૩થી વાઇબ્રન્ટ સમિટના આયોજનને લીધે રોકાણકારોને આકર્ષવાની શરૂઆત થઈ, ત્યારબાદ ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે આવેલું ટ્રાન્સફોર્મેશન રાજ્યે દેશને દેખાડ્યું છે. આ ફોરમ ઉદ્યોગ નીતિ નિર્ધારિત કરવામાં મદદરૂપ થાય છે.

કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે ઉર્જા ઉત્પાદન ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ રહેશે. પથ્થરોને તોડી શકાય છે પણ સંસ્કારોનો નાશ થતો નથી. આપણી સંસ્કૃતિમાં સૂર્યને માત્ર પ્રકાશ નહીં, પણ જીવન માનવામાં આવે છે. ઊર્જાતિના કેન્દ્રમાં સૂર્ય છે.

મહાનુભાવોના હસ્તે પી. એમ. કુસુમ (કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહા અભિયાન) અને પી.એમ. સૂર્યઘર મુફત બિજલી યોજના ના ત્રણ લાભાર્થીઓ, ઉર્જા વિભાગની અન્ય યોજનાના ૬ લાભાર્થીઓ અને સૌર ઉર્જા ક્ષેત્રે અગત્યની કામગીરી કરનારા છ વેન્ડર્સનું સન્માન કરાયું હતું. સોલર ડિવિડન્ડ વિશે યોજાયેલા ફ્લેગશિપ પ્રોગ્રામમાં ‘પી.એમ. કુસુમ યોજના અને પી.એમ. સૂર્ય ઘર મફત વીજળી યોજના થકી સશકિતકરણ’ વિષયક માર્ગદર્શન અપાયું હતું.

મારવાડી યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતોનું પુષ્પગુચ્છ તથા શાલથી બહુમાન કરાયું હતું. પી. એમ. કુસુમ (કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહા અભિયાન) અને પી.એમ. સૂર્યઘર મુફત બિજલી યોજનાની વિગતો રજુ કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મને ઉપસ્થિતોએ રસપૂર્વક નિહાળી હતી.

આ પ્રસંગે કૃષિ, સહકાર અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય દર્શીતાબેન શાહ તથા રમેશભાઈ ટીલાળા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જેનુ દિવાન અને ડાયરેક્ટર (એડમીન) પ્રીતિ શર્મા, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અજય પ્રકાશ, ભારત સરકારના શક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ શશાંક મિશ્રા, મિનિસ્ટ્રી ઓફ રીન્યુએબલ એનર્જીના ડાયરેક્ટર શ્રી સુમન ચંદ્રા, ઇન્ડિયા સ્માર્ટ ગ્રેડ ફોરમના પ્રમુખ રેજી પિલ્લાઈ, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના પ્રમુખ કણ્વ ગર્ગ સહિતના ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *