રાજકોટ શહેરમા 3 દિવસ પુર્વે ઇન્દીરા સર્કલ પાસે સીટી બસની ઠોકરે 4 વ્યકિતના કમકમાટી ભર્યા મોત નીપજયા હતા. આ ઘટનામા ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરનાં ઘા કરી સીટી બસમા તોડફોડ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. તેમજ યુનિવર્સીટી પોલીસમા અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો અને ચારેક વ્યકિતની ધરપકડ કરાઇ હતી. ત્યારે આજે સવારનાં સમયે અટલ સરોવર પાસે આવેલા સીટી બસનાં ડેપો પાસે ડ્રાઇવરો પહોંચ્યા ત્યારે કોઇ અધિકારી ત્યા હાજર ન જણાતા તેઓનાં રૂટ પર કામથી અળગા રહયા હતા.
આ તકે એક ડ્રાઇવરે જણાવ્યુ હતુ કે સીટી બસની ઠોકરે 4 ના મોત નીપજયા બાદ લોકો સાથે ડ્રાઇવરની માથાકુટ વધતી જાય છે. ગઇકાલે હોસ્પિટલ ચોક સહીત 4 જગ્યા પર બસનાં ડ્રાઇવર સાથે માથાકુટ કરવામા આવી હતી અને હોસ્પિટલ ચોકે અમુક શખ્સોએ બસ પર પથ્થરનાં ઘા કર્યા હતા. ડ્રાઇવરે કહયુ હતુ કે લોકો સહકાર આપે એ જરૂરી છે. તેમજ હાલ વિક્રમ ડાંગર વિરુધ્ધ આક્ષેપ કરવામા આવી રહયા છે તે સદંતર ખોટા છે. વિક્રમભાઇ માત્ર મેનપાવરનુ કામ કરે છે અને તે સીટીને જોઇતા ડ્રાઇવર પુરા પાડે છે. માટે આ મામલે સચોટ તપાસ થવી જોઇએ. કોઇ નિર્દોષ ન ફસાઇ જાય તે અધિકારીઓએ ધ્યાન રાખવુ જોઇએ.
