જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં બે મોટરસાઇકલ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. જેથી ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ અકસ્માતમાં 23 વર્ષીય દિગ્વિજયસિંહ બહાદુરભાઈ સિસોદિયાનું મોત થયું છે, જ્યારે 18 વર્ષીય રાજવીર સોનિંગ ભલગરીયા ગંભીર રીતે ઘાયલ થયા છે.અકસ્માત બાદ ઇજાગ્રસ્ત બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે માળીયા હાટીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ ડો. ઈરફાન મહિડાએ દિગ્વિજયસિંહને તપાસીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે રાજવીર સોનિંગભાઈની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અન્યત્ર રીફર કરવામાં આવ્યા હતા. મૃતક દિગ્વિજયસિંહ સિસોદિયા સીઆઈએસએફ (CISF)માં ફરજ બજાવતા હતા અને લગ્ન પ્રસંગે રજા લઈને પોતાના વતન આવ્યા હતા.
ખુશીના પ્રસંગ વચ્ચે જ આ અકસ્માતની દુ:ખદ ઘટના બનતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.માળીયા હાટીના પોલીસ સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતાં મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા. આશાસ્પદ યુવાનના અચાનક અવસાનથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી અને હોસ્પિટલ પરિસરમાં ગમગીન માહોલ સર્જાયો હતો. હાલ માળીયા હાટીના પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
