ચોટીલા નાયબ કલેક્ટરનો નવતર પ્રયોગ, કચેરીના પ્રાંગણમાં મળશે હવે ઝેરમુક્ત ‘પ્રાકૃતિક શાકભાજી’

વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સામે ’પ્રાકૃતિક ખેતી’ એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ચોટીલા તાલુકાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને નાગરિકોને શુદ્ધ…

વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સામે ’પ્રાકૃતિક ખેતી’ એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ચોટીલા તાલુકાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને નાગરિકોને શુદ્ધ આહાર મળી રહે તેવા ઉમદા હેતુથી નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
ચોટીલા સબ ડીવીઝન હેઠળના ભીમગઢ ગામના ખેડૂત મનસુખભાઇ દેવશીભાઇ ગોહિલ, જેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે, તેમના દ્વારા તા. 23/02 ના નાયબ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં પ્રાકૃતિક શાકભાજી વેચાણના સ્ટોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સ્ટોલ અઠવાડિયામાં બે વાર દર સોમવારે અને શુક્રવારે નાયબ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે લોકોને આ સ્ટોલ ઉપર થી ઓર્ગેનિક કોઈ પણ પ્રકારની જંતુનાશક દવા, ખાતર વગરના ટમેટા, ડુંગળી, લસણ, સરગવો, વાલોળ, ચણા, મગફળી, રાય, જીરું, ધાણા, ઘઉં, બાજરી તેમજ મોસમી લીલા શાકભાજી મળી રહેશે. આ અંગે વાત કરતા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા એ જણાવ્યું હતું કે “પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધું બજાર મળે અને અન્ય ખેડૂતો આ પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.” આ સ્ટોલનો લાભ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત ચોટીલાના નગરજનો અને નેશનલ હાઇવે પરથી પસાર થતા પ્રવાસીઓ પણ લઈ શકશે. આ પહેલથી તાલુકામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપમાં વધારો થવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *