રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે ગુરુવારે દ્વારકાધીશની પાવન ભૂમિ દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને 1008 મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા. ભગવાન દ્વારકાધીશના આર્શિવાદ પ્રાપ્ત કરી, દ્વારકાના નાગેશ્વર રોડ ખાતે સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે આયોજિત દેવી ભાગવત કથા અને શ્રી મહાચંડી યજ્ઞ અને 1008 મહારુદ્ર અભિષેકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નેપાળી બાબાના આશીર્વાદ મેળવી, વિષ્ણુ લોક હવન યજ્ઞશાળા અને શિવ લોક નામ જપ યજ્ઞશાળાની મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. 31 જાન્યુઆરી સુધી આયોજિત આ ધાર્મિક આયોજનમાં ભારતભરમાંથી 21 હજાર બ્રાહ્મણો દ્વારા 58 કરોડ જાપ કરવામાં આવી રહ્યાં છે. જેમાં દેશભરમાંથી સાધુ, સંતો, મહાત્માઓ આ આયોજનમાં જોડાયા છે.
તેમની ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ વડા જયરાજસિંહ વાળા, મયુરભાઈ ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની પ્રાર્થના ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કરી હતી. તેમણે ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન પણ કર્યું હતું.
