ગુજરાતમાં 70 લાખ મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર

કમલમમાં ફોર્મ નંબર-7 છાપીને વિવિધ વિસ્તારોમાં વહેંચવામાં આવે છે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપો ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદીમાં થઈ રહેલા ફેરફારોને લઈને…

કમલમમાં ફોર્મ નંબર-7 છાપીને વિવિધ વિસ્તારોમાં વહેંચવામાં આવે છે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપો

ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદીમાં થઈ રહેલા ફેરફારોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ બાબતે તાજેતરમાં જ ગુજરાતના લોકપ્રિય સુરેન્દ્રનગરના હાસ્યકલાકાર શાહબૂદ્દીન રાઠોડ અને તાજેતરમાં જ પદ્મશ્રીથી પુરુસ્કૃત થયેલા જુનાગઢના પ્રખ્યાત ઢોલક વાદક હાજી રમકડું ઉર્ફે હાજીભાઈ કાસમભાઈના નામને લઈને વિવાદ થયો હતો. જે બાબતને ધ્યાને લઈને કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં રહેલી ભાજપ પર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે.

આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના પૂર્વ નેતા અમિત ચાવડાએ ચૂંટણી પંચ પર ભાજપ તરફી વલણ અપનાવવાનો આરોપ મૂકી મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ નંબર-7ને લઈને કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાને રૂૂબરૂૂ મળીને વિસ્તૃત રજૂઆત કરી હતી.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં સુનિયોજિત રીતે વિપક્ષી મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમના કહેવા મુજબ, ભાજપ કાર્યાલય ’કમલમ’માંથી ફોર્મ નંબર-7 છાપીને વિવિધ વિસ્તારોમાં વહેંચવામાં આવ્યા છે. 16થી 18 જાન્યુઆરી દરમિયાન મોટી સંખ્યામાં ખોટી અરજીઓ ભરાઈ હોવાના પુરાવા કોંગ્રેસ પાસે છે. આ અરજીઓ દ્વારા ખાસ કરીને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોને મત આપનારા નાગરિકોના નામ કમી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો કે, અત્યાર સુધીમાં અંદાજે 70 લાખ મતદારોના નામ પહેલેથી જ મતદાર યાદીમાંથી દૂર થઈ ચૂક્યા છે. હવે બાકીના મતદારોના મતાધિકારને પણ અસર પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે. તેમણે આ સમગ્ર પ્રક્રિયાને લોકશાહી પર હુમલો ગણાવ્યો છે. અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, અનેક કિસ્સાઓમાં જે વ્યક્તિના નામ કમી કરવા માટે અરજી કરવામાં આવી છે, તેની સહી અને વિગતો સંપૂર્ણ રીતે ખોટી છે. ઘણા નાગરિકોએ કોંગ્રેસને ફરિયાદ કરી છે કે તેઓએ ક્યારેય ફોર્મ ભર્યું જ નથી છતાં તેમનું નામ કમી કરવાની અરજી થઈ છે. આ સ્થિતિ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલ ઉભા કરે છે.

ખાસ પદ્મશ્રી હાજી રમકડું અને શાહબૂદ્દીન રાઠોડ બાબતે કટાક્ષ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “એક તરફ રાજ્ય સરકાર સામાજિક કાર્યકરો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પદ્મશ્રી જેવા સન્માન આપે છે, જ્યારે બીજી તરફ એ જ લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ખોટી અરજીઓ ભરવામાં આવે છે. આ કેવી વિસંગતિ છે?” તેમણે આ બાબતને ગંભીર લોકશાહી વિમુખતા ગણાવી હતી. કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી પંચ પર પણ આક્ષેપ કરતા કહ્યું કે, ફોર્મ નંબર-7માં સ્પષ્ટ જોગવાઈ છે કે ખોટી માહિતી આપનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેમ છતાં, લાખો ખોટી અરજીઓ હોવા છતાં પંચ તરફથી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ જાણે સરકારના દબાણ હેઠળ મૌન ધારણ કરી રહ્યું હોય તેવી સ્થિતિ છે.

અંતમાં અમિત ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ એક પણ સાચા મતદારનો મતાધિકાર છીનવાવા દેશે નહીં. જો જરૂૂર પડશે તો આ મુદ્દે કાયદાકીય લડતથી લઈને જનઆંદોલન સુધીનો રસ્તો અપનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *