સ્ટેજ પર બેસવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર ઘર્ષણ: સામસામી ફરિયાદ નોંધાઇ
જામનગરની પ્રખ્યાત હરિયા કોલેજમાં ગઈકાલે રાત્રે યોજાયેલા એક એવોર્ડ ફંક્શન દરમિયાન ટ્રસ્ટીઓ વચ્ચે ભારે બબાલ થવા પામી હતી, જે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સામાન્ય બાબતે શરૂૂ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં કાર્યક્રમમાં ઉપસ્થિત ઓશવાળ જ્ઞાતિના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે અચરજ ફેલાયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, હરિયા કોલેજ દ્વારા ઉચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓશવાળ જ્ઞાતિના હોદ્દેદારો, મહાજન અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય ટ્રસ્ટીઓ દ્વારા બનાવેલા સ્ટેજ પર એક અન્ય ટ્રસ્ટીની પપૌત્રીને બેસાડવામાં આવી હતી. આ બાબતનો અન્ય ટ્રસ્ટી જૂથના એક મહિલા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધના પગલે સ્ટેજ પરથી યુવતીને નીચે ઉતારવામાં આવતા બંને પક્ષના ટ્રસ્ટીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂૂ થઈ હતી અને મામલો ગરમાયો હતો. જોત જોતામાં બંને જૂથના ટ્રસ્ટીઓ વચ્ચે મોટા પાયે ઘર્ષણ સર્જાયું હતું. સ્થિતિ વણસતાં આખરે પોલીસને બોલાવવામાં આવી હતી અને મામલો માંડ શાંત પડ્યો હતો.
ઘટના બાદ મુખ્ય ટ્રસ્ટી અને અન્ય ટ્રસ્ટીઓના જૂથો દ્વારા સિટી સી ડિવિઝન પોલીસ મથકે પહોંચીને સામસામી લેખિત ફરિયાદ અરજીઓ આપવામાં આવી હતી. પોલીસે બંને પક્ષની રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એવોર્ડ ફંક્શન જેવા શૈક્ષણિક અને સન્માનના કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ વચ્ચે થયેલી આ બબાલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
