વોર્ડ નં.11માં ચક્કાજામ, વિસાવદરવાળી કરવાની ચીમકી

ખાડામાં સૂઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવી રસ્તો બંધ કરી દેતાં પોલીસ કાફલો દોડયો રાજકોટ શહેરમાં ખાડા અને તુટેલા રોડ રસ્તા મુદ્દે વોર્ડ વાઈઝ વિરોધ પ્રદર્શનો થઈ…

ખાડામાં સૂઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવી રસ્તો બંધ કરી દેતાં પોલીસ કાફલો દોડયો

રાજકોટ શહેરમાં ખાડા અને તુટેલા રોડ રસ્તા મુદ્દે વોર્ડ વાઈઝ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ચોમાસુ પુરૂ થઈ ગયું અને છેલ્લા ઘણા સમયથી ઉઘાડ નીકળ્યો છે છતાં રસ્તાઓ રીપેર ન થતાં આજે વોર્ડ નં.11માં બાલાજી હોલ પાસે ખરાબ રોડ-રસ્તાને લઈને રહેવાસીઓએ રોડ ચક્કાજામ કરી તંત્રને હવે તો વિસાવદરવાળી કરવી પડશે. તેવી ધમકી આપતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
વોર્ડ નં.11માં બાલાજી હોલની આજુબાજુનાં વિસ્તારોમાં તુટેલા રોડ રસ્તા અને ખાડાઓનું રીપેરીંગ શરૂ ન થતાં સ્થાનિકો વિફર્યા હતાં. આજે સવારથી મહિલાઓ અને પુરૂષોએ મુખ્ય માર્ગ ઉપર એકઠા થઈ રોડ ઉપર વાહનોની આડસ કરી ચક્કાજામ કરી દીધું હતું.

જેના લીધે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને ભારે સમજાવટના અંતે મામલો થાળે પડયો હતો. લોકોએ વિરોધ સાથે ચક્કાજામ કરી ખાડા ઉપર સુઈ તંત્રની કામગીરી અંગે જણાવેલ કે મત માટે ડેલીએ ડેલીએ આવતાં કોર્પોરેટરોને અનેક વખત આ મુદ્દે ફરિયાદ કરી છતાં આજ સુધી કોઈ ડોકાયું નથી. તેવી જ રીતે રોડ રસ્તા અને ખાડા મુદ્દે અધિકારીઓને પણ ફરિયાદ કરવામાં આવી હતી. છેલ્લાઘણા સમયથી ઉઘાડ નીકળ્યો છે છતાં અન્ય રોડ રસ્તાઓની માફક અમારા વિસ્તારમાં કામ કરવામાં કોઈને રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

ચોમાસુ શરૂ થતાં જ પ્રથમ વરસાદે મોટા ભાગના રોડ રસ્તાઓ તોડી નાખ્યા છે અને આ રોડ ઉપરથી કોર્પોરેટરો તેમજ અધિકારીઓ અવારનવાર નીકળતાં હોય છે છતાં લોકોને સમસ્યાનો આજ સુધી ઉકેલ આવ્યો નથી આથી હવે કોર્પોરેટરની બેદરકારીથી કંટાળી ગયા છીએ અને આગામી ચૂંટણીમાં વિસાવદરવાળી કરવી પડશે તેવી ચીમકી ઉચ્ચારતાં અને આ મુદ્દો સોશ્યલ મીડિયા ઉપર ચમકતા મનપાના અધિકારીઓ પણ દોડતાં થઈ ગયા હતાં.

તંત્ર દ્વારા બે દિવસ પહેલા જ એકશન પ્લાન અંતર્ગત તમામ રોડ રસ્તાઓ પેવર કરવાની જાહેરાત કરી છે અને સાથોસાથ આખા રાજકોટમાં પેંચવર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે તેમ પણ જણાવ્યું છે પરંતુ વોર્ડ ન.11માં આજ સુધી પેચવર્ક કામ શરૂ ન થતાં આજે સ્થાનિકો વિફર્યા હતાં અને શહેરમાં ફરી એક વખત વિસાવદરવાળી કરવાની ચીમકી લોકોેએ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *