રાજકોટ જીલ્લામાં છેલ્લા 1 મહિનાથી ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ આંતક મચાવ્યો છે. લોધિકાના રાવકી તેમજ શાપરમાં કારખાનાને નિશાન બનાવ્યા બાદ ધોરાજીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં ગત રાત્રિના સુમારે એકસાથે પાંચ કારખાનાઓને નિશાન બનાવી સનસનાટી મચાવી દીધી છે. મોઢે રૂૂમાલ બાંધીને આવેલા ચાર શખ્સોએ કારખાનાઓના શટર અને દરવાજાના તાળા તોડી ઓફિસોમાંથી રોકડ રકમ, ચાંદીના સિક્કા અને વાહનની આર.સી. બુક સહિત કુલ રૂૂ. 66,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ચોરીની સમગ્ર ઘટના કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરાજીના ખરાવાડ પ્લોટ વિસ્તારમાં રહેતા અને જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક પાસે ’માસ્ટર પેક પોલીબેગ’ નામનું પ્લાસ્ટિક રફીયા બેગ બનાવવાનું કારખાનું ધરાવતા રીતીન સુરેશભાઈ કોયાણી (ઉ.વ. 29) જ્યારે સવારે આઠેક વાગ્યાના સુમારે પોતાના કારખાને પહોંચ્યા ત્યારે ચોરીના આ બનાવની જાણ થઈ હતી. તેમણે જોયું કે ઓફિસનો દરવાજો તૂટેલો હતો અને અંદર સામાન વેરવિખેર પડ્યો હતો.
ઓફિસના ટેબલના ખાનામાં મજૂરોને ઉપાડ આપવા માટે રાખેલા રૂૂ. 45,000 રોકડા ગાયબ હતા. આ બનાવ બાદ આજુબાજુના અન્ય કારખાનાઓમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે એક પછી એક પાંચ કારખાનામાં ચોરી કરી હતી અથવા ચોરીનો પ્રયાસ કર્યો હતો જેમાં માસ્ટર પેક પોલીબેગની ઓફિસનો દરવાજો તોડી ટેબલના ખાનામાંથી રૂૂ. 45,000 ની રોકડ રકમની ચોરી, નારાયણ પોલીમર્સના માલિક માલિક જીગર ગોબરભાઈ લાખાણીના કારખાનાની ઓફિસનું તાળું તોડી ટેબલમાંથી આશરે રૂૂ. 6,000 થી 7,000 ની રોકડની ચોરી, દ્વારકાધીશ પ્રોસેસના માલિક માલિક વિપુલભાઈ મગનભાઈ વૈષ્ણવના કારખાનાનું શટર તોડી પર્સમાંથી આશરે રૂૂ. 5,000 થી 6,000 રોકડા, મોટરસાઇકલની અસલ આરસી બુક તથા મંદિર માંથી 2 જુના ચાંદીના સિક્કા (કિંમત રૂૂ. 1,000) ની ચોરી, મીરા પ્રોસેસના મલિક માલિક વિનેશભાઈ નાગજીભાઈ માથુકીયાના કારખાનાના 2 શટર અને ઓફિસનો લોક તોડી રૂૂ. 6,000 થી 7,000 ની રોકડ રકમની ચોરી, તુલસી પ્લાસ્ટિકના માલિક માલિક રાજેશભાઈ પરસોત્તમભાઈ વઘાસીયાના કારખાનાના મેઈન શેડ અને ગોડાઉનનું શટર તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
ચોરીના બનાવ બાદ કારખાનેદારોએ સીસીટીવી ફૂટેજ ચકાસતા માલૂમ પડ્યું હતું કે, તા. 22/09/2026 ના રોજ રાત્રિના આશરે 3:00 થી 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ચડ્ડીબનિયાન ધારી ટોળકી ત્રાટકી હતી. મોઢા બાંધેલા ચાર અજાણ્યા ઇસમોએ કારખાનાઓમાં ગેરકાયદેસર પ્રવેશ કરી આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.બનાવ અંગે રીતીન સુરેશભાઈ કોયાણીની ફરિયાદના આધારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર ચોરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઠાકોર ચલાવી રહ્યા છે. ઔદ્યોગિક વિસ્તારમાં એક જ રાતમાં પાંચ કારખાના તૂટતા સ્થાનિક વેપારીઓ અને કારખાનેદારોમાં ભારે ફાળ પડી છે અને પોલીસે તાત્કાલિક તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આતંક મચાવનાર ટોળકીને પકડવામાં પોલીસ અને LCB નિષ્ફળ, એક મહિનામાં ત્રીજો બનાવ
રાજકોટ જીલ્લામાં અલગ અલગ ઔદ્યોગિક વિસ્તારમાં ચોરીના બનાવોમાં સંડોવાયલ ચડ્ડીબનિયાન ધારી ટોળકીએ કારખાનાને નિશાન બનાવતી હોય આ ઘટનાથી સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં તીવ્ર રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જીલ્લામાં છેલ્લા એક જ મહિનામાં ચોરીનો આ ત્રીજો બનાવ બનવા પામ્યો છે, છતાં પણ સ્થાનિક પોલીસ તેમજ એલસીબી ની ટીમ આંતક મચાવનાર તસ્કર ટોળકીને પકડવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. સતત વધી રહેલા ગુનાખોરીના બનાવોના કારણે જીલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ચોર ટોળકી બેફામ બનીને ચોરીઓને અંજામ આપી રહી છે અને પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ રહેતી હોય તેવો ઘાટ સર્જાયો છે. પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે અને અવારનવાર ચોરીઓ આચરતી આ ટોળકીને તાત્કાલિક ઝડપી પાડી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેની વેપારીઓ અને ઉદ્યોગપતિ માંગ કરી રહ્યા છે.
