CGSTના સુપ્રી.અને વકીલ 20 લાખની લાંચ લેતા પકડાયા

  ખોટા બિલ બનાવવા અને જીએસટી ન ભરવા બાબતે થયેલી અરજીના પતાવટ માટે 25 લાખની લાંચ માંગી હતી ગુજરાતમાં ભ્રષ્ટાચારી તત્વો સામે એન્ટી કરપ્શન બ્યુરો…

 

ખોટા બિલ બનાવવા અને જીએસટી ન ભરવા બાબતે થયેલી અરજીના પતાવટ માટે 25 લાખની લાંચ માંગી હતી

ગુજરાતમાં ભ્રષ્ટાચારી તત્વો સામે એન્ટી કરપ્શન બ્યુરો એ લાલ આંખ કરી છે. રાજકોટમાં એસીબીની ટીમે એક અત્યંત સફળ ટ્રેપ ગોઠવીને સેન્ટ્રલ જીએસટી વિભાગના સુપ્રીન્ટેન્ડન્ટ અને તેમના વતી વહીવટ કરતા ટેક્સ ક્ધસલ્ટન્ટને 20 લાખ રૂૂપિયાની માતબર લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનને પગલે સમગ્ર સરકારી આલમમાં અને ખાસ કરીને ટેક્સ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કેસની વિગતો મુજબ, ફરિયાદી વિરુદ્ધ સીજીએસટી કચેરીમાં એક અરજી થઈ હતી. આ અરજીમાં તેમના પર જીએસટી ન ભરવા તેમજ ખોટા બિલ બનાવીને કરચોરી કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલાની તપાસ સીજીએસટી ડીવીઝન-1, રેન્જ-5 માં ચાલી રહી હતી. આ અરજીની પતાવટ કરવા અને ફરિયાદી વિરુદ્ધ કોઈ મોટો કાયદેસરનો કેસ ન કરવાના બદલામાં ત્યાંના સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમાર (ઉ.વ. 43) દ્વારા 25 લાખની રકમની માંગણી કરવામાં આવી હતી. રકઝકના અંતે 20 લાખ રૂૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

અધિકારી મુકેશકુમારે આ લાંચની રકમ સીધી લેવાને બદલે રાજકોટના જાણીતા ટેક્સ ક્ધસલ્ટન્ટ આકાશ રમેશભાઇ કલોલીયા (ઉ.વ. 33) ને આપી દેવા માટે ફરિયાદીને સૂચના આપી હતી. જોકે, જાગૃત ફરિયાદી આ ભ્રષ્ટાચારના સાક્ષી બનવા માંગતા ન હતા, તેથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદ મળતા જ એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું હતું. ગઈકાલે સાંજે રાજકોટના એસટી બસ સ્ટેશન પાછળ આવેલા ’ક્રીએટીવ કોમ્પ્લેક્ષ’ ખાતે લાંચની રકમની લેતી-દેતી નક્કી થઈ હતી. નક્કી થયા મુજબ, જ્યારે ફરિયાદી 20 લાખ રૂૂપિયા લઈને ક્રીએટીવ કોમ્પ્લેક્ષ પહોંચ્યા, ત્યારે ટેક્સ ક્ધસલ્ટન્ટ આકાશ કલોલીયાએ અધિકારી મુકેશકુમાર વતી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. જેવી આકાશે 20 લાખની રોકડ સ્વીકારી, કે તરત જ આસપાસ ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ ઘટનાસ્થળેથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે.

એસીબી દ્વારા હાલમાં મુકેશકુમાર અને આકાશ કલોલીયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. એસીબી હવે એ તપાસ કરી રહી છે કે શું આ અધિકારીએ અગાઉ પણ અન્ય કોઈ વેપારીઓ પાસેથી આ રીતે લાંચ લીધી છે કે કેમ? તેમજ આ રેકેટમાં અન્ય કોઈ મોટા અધિકારીઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.

આ સફળ કામગીરીમાં એસીબીના ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા,મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર એસીબીના પી.આઈ એ.એ. ખોખર સાથે પી.આઈ પી.એ. દેકાવાડીયાએ કામગીરી કરી હતી. આ 20 લાખની લાંચના કેસે રાજકોટના વહીવટી તંત્રમાં મોટી ચકચાર જગાવી છે અને ભ્રષ્ટાચારીઓ માટે આ એક કડક સંદેશ સમાન સાબિત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *