મહાનગરોથી ગામડા સુધી ભાજપ જ ધૂરંધર, વિકાસના બુલડોઝરમાં વિપક્ષો કચડાયા

15 મનપા, 84 પાલિકા, 34 જીલ્લા પંચાયતોમાં વિપક્ષોના સુપડા સાફ, ગુજરાતભરમાં ભાજપનો જાદુ અકબંધ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં…

15 મનપા, 84 પાલિકા, 34 જીલ્લા પંચાયતોમાં વિપક્ષોના સુપડા સાફ, ગુજરાતભરમાં ભાજપનો જાદુ અકબંધ

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતમાં ભાજપે વિરોધી પક્ષોના સુપડા સાફ કરી નાખ્યા છે. મતદારોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, વિકાસના મુદ્દે શહેર હોય કે ગામડું જનતા ભાજપની સાથે છે. શહેરથી ગામડાં સુધી ભાજપનો ભગવો લહેરાયો છે.

અમદાવાદમાં ભાજપે ફરી એકવાર સૌથી મોટો દબદબો જાળવી રાખ્યો છે. અમદાવાદની કુલ 192માંથી 2021માં ભાજપને 159 પર જીત મેળવી હતી, જ્યારે 2026માં 160 બેઠક મળી છે. કોંગ્રેસને 2021માં 25 જીત મળી હતી, જ્યારે 2026માં 32 બેઠક મળી છે. અન્યને 2021માં 8 અને 2026માં 0 બેઠક મળી છે.

સુરતમાં આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. જે શહેરમાંથી આપનો ઉદય થયો. ત્યાં જ આપનું અસ્ત થયું છે. સુરતની કુલ 120માંથી 2021માં ભાજપને 93, 2026માં 115 બેઠક મળી છે. કોંગ્રેસને 2021માં 0, 2026માં 1 બેઠક મળી છે. આપને 2021માં 27 અને 2026માં 4 બેઠક મળી છે. ભાવનગરમાં ભાજપે પોતાની પકડ યથાવત રાખી છે. ભાવનગરની કુલ 52માંથી 2021માં ભાજપને 44, 2026માં પણ 44 બેઠક મળી છે. કોંગ્રેસને 2021માં 8, 2026માં પણ 8 બેઠક મળી છે.

જામનગરમાં ભાજપે વધુ મજબૂત પ્રદર્શન કર્યું છે. જામનગરની કુલ 64માંથી 2021માં ભાજપને 50, 2026માં 60 બેઠક મળી છે. કોંગ્રેસને 2021માં 11, 2026માં 2 બેઠક મળી છે. તો આમ આદમી પાર્ટીને 2021માં જીરો અને 2026માં 2 બેઠક મળી છે. રાજકોટમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. રાજકોટની કુલ 72માંથી 2021માં ભાજપને 68, 2026માં 65 બેઠક મળી છે. કોંગ્રેસને 2021માં 4, 2026માં પણ 7 બેઠક મળી છે.

વડોદરામાં ભાજપે ફરી સત્તા કબજે કરી છે. વડોદરાની કુલ 76માંથી 2021માં ભાજપને 69, 2026માં પણ 69 બેઠક મળી છે. કોંગ્રેસને 2021માં 7, 2026માં પણ 6 બેઠક મળી છે. જ્યારે અન્યને 2021માં કંઈ મળ્યું ન હતું જ્યારે આ વખતે 1 બેઠક મળી છે.

હવે નગરપાલિકાની વાત કરીએ તો. 2021માં કુલ 81 પાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાંથી ભાજપે 74 પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસને માત્ર એક પાલિકા મળી હતી. જ્યારે 6 પાલિકામાં અન્યની સત્તા આવી હતી. જ્યારે આ વખતે 84 પાલિકાની ચૂંટણી યોજાઈ. જેમાં ભાજપને 77, કોંગ્રેસને 6 અને એક પાલિકામાં અપક્ષની સત્તા આવી છે.

જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો જ દબદબો રહ્યો છે. 2021માં 31 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે આ વખતે 34 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ જેમાં 33 પર ભાજપ અને એક નર્મદા જિલ્લા પંચાયતમાં આપે સત્તા મેળવી છે. આ પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, ગુજરાતમાં હજુ પણ ભાજપનો જ જાદૂ યથાવત છે. વિપક્ષ માટે આ પરિણામ ચિંતાનો વિષય છે અને 2027 પહેલા ભાજપ માટે આ સૌથી મોટો આત્મવિશ્વાસ છે.

ગુજરાત અને ભાજપનો સંબંધ વધુ ગાઢ બન્યો: પીએમ મોદી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. જેમાં ભાજપે જંગી બહુમત સાથે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું કે “ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે. રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલ પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.” વધુમાં પીએમ મોદીએ એવું પણ કહ્યું કે “રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે.” સાથે જ તેમણે કહ્યું કે “હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરી, રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.” “આ અવસરે, હું ભાજપના વિશાળ કાર્યકર્તા પરિવારના જમીનસ્તરના અવિરત પ્રયત્નોની સરાહના કરું છું અને અભિનંદન પાઠવું છું.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *