બે યુવક અને બે યુવતી કાર લઇ અમદાવાદ ફરવા જતા હતા: ટ્રક પાછળ BMW ઘૂસી જતા અકસ્માત સર્જાયો, પરિવારમાં શોક
રાજકોટના બે યુવક અને બે યુવતી સહિત ચારેય BMW કાર લઇ અને અમદાવાદ તરફ જતી વખતે બાવળા-સરખેજ નેશનલ હાઇવે પર અકસ્માત નડ્યો છે. તેઓને મોરૈયા બ્રિજ ઉપર જઇ રહેલા ટ્રક પાછળ તેઓની બીએમડબ્લયુ કારને અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રાજકોટની યુવતીનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ જયારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના મોરૈયા બ્રિજ પર ગુરુવારે વહેલી સવારે એક ઇંટો ભરીને જતી હાઇવે પર ટ્રક પાછળ ધડાકાભેર એક બી.એમ.ડબલ્યુ ગાડી ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે ટ્રકચાલક તેમજ અન્ય વાહનચાલકો તાત્કાલિક ઊભા રહી ભારે જહેમતથી બી.એમ.ડબલ્યુ ગાડી સવાર ચારેય ઇજાગ્રસ્તને બહાર કાઢ્યા હતા, જેમાં સ્થળ પર રોશનીબેન હસમુખભાઈ કટારમલ( ઉં.29) (રહે.રાજકોટ મૂળ જામનગર)નું કરુણ મોત થયું હતું.
બનાવમાં ગાડીના ચાલક તેમજ ગાડીમાં સવાર એક પુરુષને ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે એક મહિલાને સામાન્ય ઈજાઓ થયેલ હતી. 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અકસ્માત અંગે ટ્રક ચાલક વિષ્ણુભાઈ અર્જુનભાઈ ખટાણા (રહે. દુધઈ ગામ સુરેન્દ્રનગર)એ ચાંગોદર પોલીસમાં કારચાલક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ટ્રક પાછળ ઘૂસી ગયેલ બી.એમ.ડબલ્યુ ગાડીને ક્રેનથી મદદથી બહાર કાઢી હતી.ઘટનાને પગલે મૃતક અને ઇજાગ્રસ્તનો પરિવાર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. મૃતક યુવતી અભ્યાસ કરતી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.
પીએસઆઈ વી.બી.રહેવરએ જણાવ્યું કે, ચારેય રાજકોટ બાજુથી અમદાવાદ ફરવા માટે જતાં હતા, ત્યારે મોરૈયા બ્રિજ પર જતાં ટ્રક પાછળ બી.એમ.ડબલ્યુ કાર ઘૂસી જતાં ટ્રક પચાસેક ફૂટ જેટલી આગળ ઢસડાઇ હતી. બનાવ સ્થળે એક મહિલાનું મોત થયું હતું.સૂત્રોએ કહ્યું કે, 4 જૂને સાંજે ટ્રકચાલક વાકાંનેર મોરબીથી ઈંટો લઈને હિંમતનગર વિજાપુર રોડ ઉપર આવેલ નવાનગર ગામ ખાતે જવા માટે નીકળેલ ત્યારે મોરૈયા પાસે બ્રિજ પર જતો હતો ત્યારે તેના ટ્રક પાછળ બી.એમ.ડબલ્યુ કાર ધડાકાભેર અથડાઇ અને ટ્રક પાછળ ઘૂસી જતાં કારનો આગળનો ભાગ અડધો તૂટી ગયો હતો.
ઇજાગ્રસ્તના નામ
સૂરજ વિનોદભાઈ ચૌહાણ (આશરે ઉં.28) (રહે. મઘોડા રાજકોટ)(ગાડી ચાલક)
સાગરભાઇ અશ્વિનભાઈ લીબીસિયા (આશરે ઉં.26) (રહે.રાજકોટ)
જિજ્ઞાસાબેન છેલુભાઈ ધેગામા (આશરે ઉં.24)(પડધરી રાજકોટ)
