જેતપુરના દેવકી ગાલોલ ગામના નવા બની રહેલા પુલ પાસેથી પોલીસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સ્વિફ્ટ કારમાં દારૂની 1104 નંગ ચપલા સાથે બે શખ્સોને ઝડપી લઇ દારૂ સહિત કુલ રૂ. 4,79,040 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડામાં સપ્લાયર સહીત ત્રણના નામ ખુલ્યા છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર બાવળના ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, દેવકી ગાલોલ ગામ પાસે બગસરા તરફથી એક સફેદ રંગની મારૂતિ સુઝુકી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો જેતપુર તરફ લવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નવા પુલના ડાયવર્ઝન પાસે નાકાબંધી કરી હતી.
બગસરા તરફથી એક મોટરસાયકલ અને તેની પાછળ પૂરઝડપે સ્વિફ્ટ કાર નંબર જીજે -05-જેબી-3329 આવતી જણાઈ હતી. પોલીસે વાહનોને રોકવાનો ઈશારો કરતા જ મોટરસાયકલ ચાલક યુ-ટર્ન મારી નાસી છૂટ્યો હતો. જ્યારે કાર ચાલકે પોલીસને જોઈને ગાડી સીમના રસ્તે ભગાડી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર બાવળના ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી, જેથી કારના કાચ તૂટી ગયા હતા અને ગાડી ત્યાં જ થંભી ગઈ હતી. પોલીસે તપાસ કરતા કાર માંથી 180 એમ.એલ. ના કુલ 1104 નંગ વિદેશી દારૂના ચપલા કિંમત રૂ. 1,49,040 મળી આવ્યા હતા. પોલીસે ભેંસાણના રૂષાંગભાઈ મુકેશભાઈ ડાંગર (ઉં.વ. 23) અને ઉદયભાઈ આપાભાઈ બસીયાની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો જસદણ ગોખલાણાના હનીભાઈ પાસેથી મેળવવામાં આવ્યો હતો અને તે દેવકી ગાલોલના હરદેવ બહાદુરભાઈ જેબલીયાને વેચાણ અર્થે મંગાવ્યો હતો. આ ઉપરાંત, પોલીસ રેડ દરમિયાન મોટરસાયકલ પર આગળ પાઇલોટિંગ કરી રહેલો પૃથ્વીરાજ મુન્નાભાઈ બસીયાનાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જેતપુર તાલુકા પોલીસે આ તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ફરાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
