માણાવદરમાં મેગા દબાણ હટાવ ઝુંબેશ

રોડ ઉપર કાઢેલા છાપરા, ઓટા, કેબીનો તોડી પડાઇ માણાવદર શહેરમાં જાહેર રસ્તાઓ પર થતા ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યાને રોકવા માટે આજ સવારથી તાલુકા વહીવટી તંત્ર…

રોડ ઉપર કાઢેલા છાપરા, ઓટા, કેબીનો તોડી પડાઇ

માણાવદર શહેરમાં જાહેર રસ્તાઓ પર થતા ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યાને રોકવા માટે આજ સવારથી તાલુકા વહીવટી તંત્ર દ્વારા એક મેગા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વંથલીથી બાંટવા તરફ જતા અને માણાવદર શહેરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગ પર નડતરરૂૂપ તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી છે.

માણાવદરના મામલતદાર મહેશ શુક્લાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રસ્તા પર દબાણ કરનારા આસામીઓને અગાઉ 1 મે અને 19 મે ના રોજ કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ કેટલાક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી લીધા હતા, પરંતુ ઘણા આસામીઓ દ્વારા દબાણો દૂર ન કરાતા આજે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે અને રસ્તા પર નડતરરૂૂપ બનતા આશરે 8 થી 10 ફૂટ બહાર કાઢેલા પતરા, ઓટા, પાણીની ટાંકીઓ તેમજ ચાની કેબિનો તોડી પાડવામાં આવી રહી છે.

આ કામગીરી માણાવદર તાલુકા વહીવટી તંત્ર (મામલતદાર કચેરી), માણાવદર નગરપાલિકા, સિટી સર્વે વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી છે. આજે સવારે કામગીરીની શરૂૂઆતમાં કેટલાક સ્થાનિક લોકોએ પોતાના દબાણો હટાવવાનો ઈનકાર કર્યો હતો અને માહોલ થોડો ગરમાયો હતો, જો કે સ્થળ પર હાજર પોલીસ કાફલાએ તાત્કાલિક કાયદેસરની વહીવટી કાર્યવાહી કરી વિરોધ કરનારાઓને એકતરફ ખસેડ્યા હતા.

ત્યારબાદ સ્થાનિક નાગરિકો, રાજકીય આગેવાનો અને મીડિયાકર્મીઓના સહકારથી હાલમાં આ કામગીરી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. આ મુખ્ય માર્ગ પર દર અઠવાડિયે 2 થી 3 વખત ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી અને આગામી ચોમાસાની ઋતુ પણ નજીક આવી રહી હોવાથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આ દબાણો હટાવવા અનિવાર્ય બન્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર, આજે સવારથી શરૂૂ થયેલી આ દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ આવતીકાલે બપોરે અંદાજે 4:00 વાગ્યા સુધી સતત ચાલુ રહેશે.

વેપારીઓના સમર્થનમાં ઉતરેલા નગરસેવકની અટકાયત
માણાવદર નગરપાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવો ઝુંબેશ હાલ ભારે વિવાદમાં સપડાઈ છે. વોર્ડ નંબર 5 ના સ્થાનિક નગરપાલિકા સદસ્ય નિશારભાઈ હુસેનભાઈ ઠેબાએ તંત્રની આ કામગીરી સામે તીખા પ્રહારો કર્યા છે. તેમણે આ સમગ્ર કાર્યવાહીને પક્ષપાતપૂર્ણ અને ગરીબ વિરોધી ગણાવીને તંત્રની દાનત સામે સવાલો ઉઠાવ્યા છે. સમગ્ર શહેરમાં પેશકદમી છતાં ગરીબોને નિશાન બનાવાયાનો આક્ષેપ સદસ્ય નિશારભાઈ ઠેબાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં અનેક મુખ્ય જગ્યાઓ પર મોટા-મોટા ગેરકાયદેસર દબાણો અને પેશકદમીઓ થયેલી છે, જે તંત્રને બિલકુલ નડતી નથી કે દેખાતી નથી. બીજી તરફ, રોજનું કમાઈને રોજ ખાતા ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓએ દુકાનની બહાર માત્ર સહેજ પતરાં લંબાવ્યા, તો તંત્ર તેને હટાવવા માટે નોટિસો ફટકારી રહ્યું છે અને તોડી પાડવાની ધમકીઓ આપી રહ્યું છે. ધંધા બંધ કરી વિરોધ કરતા વેપારીઓની પોલીસ દ્વારા અટકાયત તંત્રની આ અન્યાયી કાર્યવાહીથી નારાજ થઈને સ્થાનિક વેપારીઓએ પોતાના રોજગાર સંપૂર્ણપણે બંધ કરી દીધા હતા અને રસ્તા પર બેસીને શાંતિપૂર્ણ વિરોધ શરૂૂ કર્યો હતો. જો કે, વેપારીઓ જેવા રસ્તા પર ઉતર્યા કે તરત જ પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આંદોલન કરી રહેલા વેપારીઓની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન ભેગા કરી દેવામાં આવ્યા હતા, જેને પગલે બજારમાં તંગદિલી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *