કાલાવડ પાસે કારચાલકે ચાર લોકોને ઉલાળ્યા, બેનાં મૃત્યુ

ફૂટપાથ પર શેરડીનો રસ પીતા દંપતી અને પિતા-પુત્રને અડફેટે લીધા, નબીરો નાસી છૂટ્યો જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બપોરના સમયે એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો…

ફૂટપાથ પર શેરડીનો રસ પીતા દંપતી અને પિતા-પુત્રને અડફેટે લીધા, નબીરો નાસી છૂટ્યો

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બપોરના સમયે એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાલાવડના માર્કેટિંગ યાર્ડ રોડ પર ફૂટપાથ નજીક ઉભેલા એક દંપતિ અને પિતા-પુત્ર શેરડીનો રસ પી રહ્યા હતા, ત્યારે પુરઝડપે આવી રહેલી કારના ચાલકે નિયંત્રણ ગુમાવતા ચારેયને ઠોકર મારી દીધી હતી. આ બનાવમાં કુલ 4 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી, જેમાંથી બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ બનતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગર અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન સારવાર ચાલુ છે.

અકસ્માત સર્જાયા બાદ કારનો ચાલક પોતાની કાર સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા જ કાલાવડ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કાલાવડમાં રહેતા કેસીબેન હરિભાઈ ચાનપા (ઉમર વર્ષ 47) અને તેમના પતિ હરિભાઈ ચાનપા (ઉમર 54) કે જેઓ સોમવારે બપોરે 2.00 વાગ્યાના અરસામાં કાલાવડ માર્કેટિંગ યાર્ડ રોડ પર આવેલા એક શેરડીના રસના ચિચોડા પાસે ઊભા રહીને શેરડીનો રસ પી રહ્યા હતા. જે સ્થળે કાલાવડ તાલુકાના ડેરી ગામના વતની આયાન અશરફભાઈ ઠાસરીયા નામનો 13 વર્ષનો બાળક અને તેના પિતા અશરફભાઈ ઠાસરીયા (ઉમર વર્ષ 45) કે જેઓ પણ શેરડીનો રસ પી રહ્યા હતા.

જે દરમિયાન જામનગર થી કાલાવડ તરફ પુર ઝડપે આવી રહેલી જી.જે. 10 ડી.એ. 2745 નંબરની કારના ચાલકે પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો, અને માર્ગની નજીક શેરડીનો રસ પી રહેલા ચારેય વ્યક્તિઓને હડફેટમાં લીધા હતા. જે ચારેયને ઠોકર માર્યા બાદ કારચાલક રોડ થી નીચે ઉતરી ગયો હતો, અને કારમાંથી પોતે ઉતરીને ભાગી છુટ્યો હતો. આ ઘટના ને લઈને અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રત બનેલા ચારેય પૈકી કેશીબેનનું પોતાના પતિ હરિભાઈ ની નજર સમક્ષ સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે અન્ય ઇજાગ્રસ્ત બનેલા પિતા-પુત્ર પૈકી 13 વર્ષીય પુત્ર અયાન નું પોતાના પિતા અશરફભાઈ ની નજર સમક્ષ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઉપરાંત હરિભાઈ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હોવાથી તેઓને કાલાવડની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તે જ રીતે અશરફભાઈ ને પણ ગંભીર ઈજા થઈ હોવાથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતના બનાવની જાણ થવાથી કાલાવડનો પોલીસ કાફલો કાલાવડની સરકારી હોસ્પિટલમાં અને બનાવના સ્થળે દોડી ગયો છે, અને આ અકસ્માતના મામલે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત રેઢી પડેલી કાર કબજે કરી લઈ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

કારચાલકનો વીડિયો સામે આવ્યો
જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં માર્કેટિંગ યાર્ડ રોડ પર એક અકસ્માતનો બનાવ બન્યો હતો, અને બેફામ ગતિથી આવેલા કાર ચાલકે એક બસને ઓવરટેક કરવાની લહાયમાં પોતાની કાર રોડથી નીચે ઉતારી દીધી હતી, જ્યાં શેરડીના રસનો ચિચોડો હતો, અને ત્યાં કેટલાક વ્યક્તિઓ શેરડીનો રસ પી રહ્યા હતા. જેઓને ઠોકરે ચડાવ્યા બાદ કારને જમ્પ કરાવીને નીચે ખાડામાં ઉતરી ગયો હતો. જે સમગ્ર દ્રશ્ય નજીકના જ વિસ્તારમાં આવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. તેના ફૂટેજ સાથેનો વિડીયો ગઈકાલે બપોર બાદ થી કાલાવડ સહિત જામનગર જિલ્લામાં વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *