ઉના નજીક નાઠેજ ગામ પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. શાળાએ જવા માટે રસ્તાની સાઇડમાં ઊભેલી બે વિદ્યાર્થિનીઓને પૂરઝડપે આવેલી કારે અડફેટે લેતાં બંને વિદ્યાર્થિનીઓ કાંટાળી વાડ પાસેના ખાબોચિયામાં ફંગોળાઈ હતી. અકસ્માત બાદ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, નાઠેજ ગામની માનવીબેન સોસા અને પ્રિયાબેન સોસા નામની બંને વિદ્યાર્થિનીઓ દરરોજની જેમ સવારે અભ્યાસ માટે ઉના આવવા નીકળી હતી. બંને વિદ્યાર્થિનીઓ નાઠેજ પાસે રસ્તાની બાજુમાં ઊભી રહી વાહનની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન અચાનક પૂરઝડપે આવેલી કારે બંનેને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી બંને વિદ્યાર્થિનીઓ રસ્તા નજીક આવેલી કાંટાળી વાડ પાસેના ખાબોચિયામાં ફંગોળાઈ જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ થતાં આસ પાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
ઉના ખાતે આવેલી ગુલિસ્તા પ્રાથમિક શાળાના શિક્ષક સોહિલભાઈ ઉનડજામ સહિતના લોકોએ ખાબોચિયા માં પડેલી બંને વિદ્યાર્થિનીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ બંનેને સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
