ખંભાળિયા પાલિકા કચેરીમાં અજાણ્યા શખ્સો મરેલુ કૂતરુ અને માછલા ફેંકી જતા ચકચાર

ખંભાળિયા નગરપાલિકા કચેરીમાં ગઈકાલે એક ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. જેમાં પાલિકા ચીફ ઓફિસરની ચેમ્બર પાસે કોઈ અજાણી વ્યક્તિ મરેલું કૂતરું તેમજ જુદા જુદા વિભાગો…

ખંભાળિયા નગરપાલિકા કચેરીમાં ગઈકાલે એક ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. જેમાં પાલિકા ચીફ ઓફિસરની ચેમ્બર પાસે કોઈ અજાણી વ્યક્તિ મરેલું કૂતરું તેમજ જુદા જુદા વિભાગો પાસે મરેલા માછલા નાખી જતાં ભારે ચર્ચા જાગી છે.

આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા નગરપાલિકા કચેરીમાં ગુરુવારે સવારે કચેરીના સ્ટાફ અને અધિકારીઓ આવ્યા ત્યારે તેઓને અહીં મરેલા કુતરા તેમજ માછલા જોવા મળ્યા હતા. કોઈ અજાણી વ્યક્તિ ચીફ ઓફિસરની ચેમ્બરમાં કોઈ મરેલું કૂતરું ટાંગી ગયું હતું તેમજ અન્ય વિભાગો પાસે તેમજ પ્રમુખની ચેમ્બર પાસે મરેલા માછલા નાખી ગયા હોવાનું જોવા મળ્યું હતું. આ મૃત અવસ્થામાં કુતરા તેમજ માછલાના કારણે કચેરીમાં દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. જેથી પાલિકા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ વચ્ચે ઉલ્લેખનીય છે કે હાલ નગરપાલિકાના પૂર્વ કર્મચારીઓને ચૂકવવાની થતી રકમ સહિતના મુદ્દે પાલિકાના સફાઈ કામદારો દ્વારા હાલ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. આ વચ્ચે મરેલા કુતરા તથા માછલાના આ કૃત્યના કારણે સફાઈ કામદારોને બદનામ કરવાનું ષડયંત્ર પણ હોવાના આક્ષેપો સફાઈ કામદાર અગ્રણી રમેશભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યો છે. સફાઈ કામદારો દ્વારા ગઈકાલે આ સમગ્ર વિસ્તારની સધન સાફ-સફાઈ પણ કરવામાં આવી હતી.આટલું જ નહીં, ઉપરોક્ત ઘટના સંદર્ભે પોલીસ તંત્રને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. જેને અનુલક્ષીને આ કૃત્ય કરનારા શખ્સ અંગેની માહિતી જાણકારી મેળવવા માટે નગરપાલિકા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા કચેરીમાં હાલ કોઈ સીસીટીવી કેમેરા નથી. ત્યારે આ કૃત્યએ નગરપાલિકા કચેરી સાથે સ્થાનિક રાજકારણમાં પણ ભારે ચકચાર પ્રસરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *