રાજમાર્ગો પરથી કેબીન હોકર્સ ઝોન દૂર થશે, ફૂટપાથ પર ધંધાર્થીઓ પાસેથી ‘રોકડી’ ચાલુ!

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં ગઈકાલે નગરજનોને ખુશ કરી દે તેવો એક અરજન્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના 24થી વધુ મુખ્ય રાજમાર્ગો પર અગાઉ મંજૂર…

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં ગઈકાલે નગરજનોને ખુશ કરી દે તેવો એક અરજન્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના 24થી વધુ મુખ્ય રાજમાર્ગો પર અગાઉ મંજૂર કરવામાં આવેલા શાકમાર્કેટ અને હોકર્સ ઝોન સહિતના તમામ દબાણો દૂર કરી, આ રસ્તાઓને સાફ, ખુલ્લા અને સદંતર દબાણમુક્ત રાખવામા આવશે. આ નિર્ણય બેશક આવકારદાયક અને પ્રશંસાપાત્ર લાગે છે, પરંતુ રાજકોટના કડવા વાસ્તવિક સત્ય અને સિક્કાની બીજી બાજુ પર નજર કરીએ તો જગ્યા રોકાણ શાખાના ખાંઉધરા ફિલ્ડ સ્ટાફના પાપે રાજમાર્ગો પર અનેક જગ્યાએ ફૂટપાથ ગાયબ છે! ફૂટપાથ પર ખાણીપીણી સહિતના ધંધાર્થીઓએ કબજો કરી લીધો છે. જે ફૂટપાથો સામાન્ય નાગરિકોના ચાલવા માટે લાખો-કરોડોના ખર્ચે બનાવવામાં આવી હતી, તે ફૂટપાથો આજે નકશામાંથી જ ગાયબ થઈ ગઈ છે!

ગઇકાલે જનરલ બોર્ડમાં રાજમાર્ગો પરના દબાણો દૂર કરવાની અરજન્ટ દરખાસ્ત સમયે જગ્યા રોકાણ શાખા સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા. જ્યારે ફૂટપાથ પર ખાણીપીણીના સ્ટોલ અને ગેરકાયદેસર દબાણોનો કબ્જો હોય, ત્યારે રોડ પરથી પગપાળા પસાર થતા નાગરિકો, વૃદ્ધો અને બાળકો પાસે ન છૂટકે વાહનોની વચ્ચે રોડ પર ચાલવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. પરિણામે, પાછળથી કે આગળથી સળસળાટ અને પૂરપાટ ઝડપે આવતા વાહનોની ઠોકરે ચડીને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે કે પોતાનો જીવ ગુમાવે છે. મનપાના સત્તાધીશો રાજમાર્ગોને દબાણમુક્ત રાખવાના ગમે તેટલા ભવ્ય નિર્ણયો લે, પણ સત્ય એ છે કે જગ્યા રોકાણ શાખાના ભ્રષ્ટ ઇન્સ્પેક્ટરોને કટકટાવવા અને ખિસ્સા ભરવા માટે આજે પણ ખુલ્લો દોર આપવામાં આવ્યો છે.

મેયર ડો. નેહલ શુક્લને નગરજનોના સીધા અને આકરા સવાલો

શું રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર ડો. નેહલ શુક્લ આ તમામ હકીકતોથી અજાણ છે? શું મનપા શાસકોને ખબર નથી કે શહેરની ફૂટપાથો પરથી જગ્યા રોકાણ શાખાનો લાખો રૂૂપિયાનો ભ્રષ્ટ કારોબાર અને હપ્તાખોરી ખુલ્લેઆમ ચાલી રહ્યા છે? રાજકોટના જાગૃત નગરજનો આજે મેયરને સીધો સવાલ પૂછી રહ્યા છે કે, પોતાના જ હકના રોડ પર ચાલતા નિર્દોષ લોકોના માથેથી અકસ્માતનો આ સતત તોળાતો ભય ક્યારે દૂર થશે? ટેક્સ ભરતા આ શહેરના નાગરિકોને તેમની હડપાઈ ગયેલી ફૂટપાથો ક્યારે પાછી મળશે? જો મનપા તંત્રમાં થોડી પણ નૈતિકતા બચી હોય, તો માત્ર બેઠકોમાં કાગળ પરના નિર્ણયો લેવાને બદલે હપ્તાખોર ઇન્સ્પેક્ટરો સામે કડક કાર્યવાહી કરીને ફૂટપાથોને તાત્કાલિક ખાલી કરાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *