મવડી પ્લોટ પાસે ન્યુ ગોપાલનગરમાં રહેતા અને લોધાવાડ ચોકમાં બોરવેલની દુકાન ચલાવતા વેપારી આધેડ સાંજે દુકાને હતા ત્યારે એકાએક તેમની તબીયત બગડતા બેભાન થઇ ઢળી પડયા હતાં. જેથી તેમને હોસ્પિટલ ખસેડાતા અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં.
આધેડનુ મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવને લઇ વેપારીના પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો. મળતી વિગતો મુજબ, મવડી પ્લોટ પાસે ન્યુ ગોપાલનગર પાર્ક-2માં રહેતા અજયભાઇ પાંચાભાઇ ઉતેળીયા(ઉ.વ.45)નામના આધેડ ગઇકાલે સાંજના સમયે લોધાવાડ ચોકમાં કનૈયા એન્જીનરીંગ નામની તેમની દુકાને હતાં. ત્યારે એકાએક તેમની તબીયત બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી આધેડને મૃત જાહેર કર્યા હતાં. બનાવને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂ રી કાર્યવાહી કરી હતી. આધેડ બે ભાઇ એક બહેનના પરિવારમાં નાના હતાં લોધાવાડ ચોકમાં ભાગીદારીમાં તેમના ભાઇ સાથે આ દુકાન ચલાવતા હતા. આધેડને હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
