શહેરમા જામનગર રોડ ઉપર આવેલા મનહરપુર-1માં રહેતા કરિયાણાના વેપારી પોતાની કારમાં કાર લઇ પત્નીને દવા લેવા માટે નિર્મળા સ્કૂલ પાસે ગયા હતા. જ્યાં કારમાંથી ઉતરી રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન બાઇક ચાલકે વેપારીને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વેપારીનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર મનહરપુર-1માં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા ફૈયાઝભાઈ એહમદભાઈ સીદીકી નામના 48 વર્ષના આધેડ નિર્મળા સ્કૂલ પાસે પોતાની કારમાંથી ઉતરી રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે વેપારી આધેડને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વેપારી આધેડને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આધેડની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક વેપારી આધેડ છ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે મૃતક ફૈયાઝભાઈ સીદીકી ઘર પાસે કરિયાણાની દુકાન ચલાવતા હતા અને પત્ની શાહેદાબેનને તાવ આવતો હોવાથી નિર્મલા સ્કૂલ પાસે હોસ્પિટલમાં બતાવવા ગયા હતા જ્યાં કારમાંથી ઉતરી રોડ ક્રોસ કરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરુદ્ધ તપાસનો દોર લંબાવ્યો છે.