ઈ-ચલણની નકલી પી.ડી.એફ. ફાઈલ ખોલતા મોબાઈલ હેક કરી ગઠિયાએ રૂૂપિયા ઉપાડી લીધા
શહેરના એરપોર્ટ રોડ મારુતિનગર-2માં સદગુરુ વાટિકા બી-701માં રહેતા વેપારી મુકેશભાઈ સુરેશચંદ્ર મુખરેજા , (ઉ.વ.49)ને મોબાઈલમાં આવેલ આર.ટી.ઓ.ના ઈ-ચલણની નકલી પીડીએફ મોકલી ગઠીયાએ બેંક એકાઉન્ટમાંથી રૂૂ.10 લાખ ઉપાડી લેતા વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મુકેશભાઈ સુરેશચંદ્ર મુખરેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે કુવાડવા રોડ ખાતે કલ્પના ટ્રેડિંગ નામની પેઢી ચલાવી ગાર્મેટ એસેસરીઝ ટ્રેડિંગનો વેપાર કરે છે. ગત તા.15/07/2025ના રોજ તે પોતાની પેઢી ખાતે હતો ત્યારે બપોરના સમયે બારેક વાગ્યે તેના ફોનમાં વોટ્સએપ એપ્લિકેશનમાં અજાણ્યા નંબર પરથી આર.ટી.ઓ. ઈ-ચલણ નામની પી.ડી.એફ. જેવી ફાઈલ આવેલ હતી.
જેમાં લખેલું હતું કે, તમારું ઈ-ચલણ ફાટેલ છે.આ ફાઈલને ઓપન કરતા તે ખૂલી ન હોય ત્યારબાદ તા.17/07ના રોજ તેના ફોનમાં ખાનગી બેંકના મોબાઈલ બેન્કિંગનું કોઈ જગ્યાએ રજિસ્ટ્રેશન થયું હોય તેવા ઘણા મેસેજ ઈનબોક્સમાં જોવા મળ્યા હતા. જેથી વેપારી તથા તેનો પુત્રએ રણછોડનગરમાં આવેલી તે બેંક ખાતે રૂૂબરૂૂ જઈને જાણ્યું કે, તેના બેંક એકાઉન્ટમાંથી રૂૂ.5 લાખનું બે વખત અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થયેલ છે. વેપારીના ખાતામાંથી કુલ રૂૂ.10 લાખ ઉપડી જતા તેમણે સ્ટેટ સાયબર સેલ ગાંધીનગરમાં 1930 નંબર પર કોલ કરી બનાવની જાણ કરતા રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાયબર ક્રાઈમ પોલીસને જાણ થતા ફરિયાદીના રૂૂ.10 લાખ અલગ અલગ ખાનગી બેંકના અલગ-અલગ એકાઉન્ટમાં જમા થયા હોવાનું માલૂમ પડ્યું હતું.
