આરોપીઓએ દિગંબર જૈનનો ધ્વજ લઇ જઇ બે સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હતું
ગિરનાર પર્વત ખાતે આવેલ નાથ સંપ્રદાયની જગ્યા ઓઘડનાથની ટુંક પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવી નાથ સંપ્રદાય તથા જૈન સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના કેસમાં પોલીસે ભવનાથના વેપારીની અટક કરી હતી. જૈન સંપ્રદાયની ધજા ફરકાવનારની ઓળખ હજુ બાકી હોય વધુ તપાસ હાથ ધરી હતી.
ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું કે, ગિરનાર પર આવેલ નાથ સંપ્રદાયની જગ્યા ઓઘડ ટૂંક પર દિગંબર જૈન સંપ્રદાયનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પુરાતત્વ વિભાગ હેઠળના રક્ષિત સ્મારક નાથ સંપ્રદાયની જગ્યા પર આ કૃત્ય દ્વારા નાથ સંપ્રદાય અને જૈન સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય પેદા કરી જાહેર સુલેહ-શાંતિનો ભંગ કર્યાની ફરિયાદ ગત તા. 8 ફેબ્રુઆરીએ શ્રીનાથજીનો દલીચોમાં સેવા પૂજા કરતા નાથ સંપ્રદાયના 55 વર્ષીય મહંત પીર યોગી સોમનાથજીએ કરી હતી. જેના આધારે ભવનાથ પોલીસે સફેદ કપડાં પહેરેલ 2 અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વાયરલ વીડિયો આધારે તપાસ કરતા ઘટનામાં સૂત્રોચાર કરનાર ભવનાથમાં રૂૂપાયતન નજીક રમકડાની દુકાન ધરાવતા 24 વર્ષીય અનુરાગ નેમીચંદભાઈ જૈનની અટક કરી ઓઘડનાથની ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવનાર 2 શખ્સની ઓળખ મેળવવા અને તેની ધરપકડ માટે વધુ તપાસ ચાલી રહી છે.ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું કે, આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી છળ કપટથી ઓઘડનાથની ટૂંક કે જે ચોથી ટૂંક તરીકે ઓળખાય છે ત્યાં દિગંબર જૈનનો ધ્વજ લઈ જઈ બે સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હતું. આ એક ગુનાહિત કાવતરું હતું. ગિરનાર કે ભવનાથની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ તત્વોને સાંખી લેવામાં આવશે નહીં.
