જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગઈકાલે મોડી રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે બનાવની જાણ થતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઇ પાણીના બે ટેન્કર વડે આગને બુઝાવી હતી. બસના માલિક કારખાનેદાર નિશાંતભાઈ દોમડીયા કે જેઓએ પોતાની ફેક્ટરીમાં કામ કરતા કામદારો ને લેવા-મુકવા માટેની બસ રાત્રિના પાર્ક કરીને રાખી હતી, જેમાં અકસ્માતે કોઈપણ રીતે આગ લાગી ગઈ હોવાથી પોલીસને જાણ કરી છે. જેઓએ કોઈ વ્યક્તિ દ્વારા બસને આગ લગાવી દેવાની શંકા પણ વ્યક્ત કરી છે. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
જામનગરમાં ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટર પાછળ સંત કબીર આવાસ ના ચોથા માળે બ્લોક નંબર બી 409 માં રહેતા મેહુલભાઈ ચાવડા નામના રહેવાસી ના ફ્લેટમાં રવિવારે બપોરે 1.30 વાગ્યાના અરસામાં અકસ્માતે શર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને આગના લબકારા અને ધુમાડા ના ગોટેગોટા બિલ્ડીંગમાં દેખાયા હતા, જેને કારણે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે મેહુલભાઈ ચાવડા દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લીધી હતી. જો કે તે પહેલા ફ્લેટની અંદર રાખેલું ફર્નિચર, ઇલેક્ટ્રીક વાયરીંગ, ગાદલા ગોદળા તથા અન્ય ઇલેક્ટ્રીક ઉપકરણો વગેરે બળીને ખાખ થયા હતા. જોકે આગ સમયસર કાબુમાં આવી ગઈ હોવાથી અન્ય ફ્લેટ ધારકોમાં હાશકારો થયો હતો.
