જંગલેશ્ર્વરમાં બહારથી સામાન્ય દેખાતા મકાનો અંદર આલિશાન હતા, અસરગ્રસ્તોને નવા બનતા આવાસોમાં પ્રાધાન્ય અપાશે
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા મેગા ડિમોલેશન લઈને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ કડક વલણ અપનાવ્યું છે. જંગલેશ્વર વિસ્તાર જે લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયો હતો, ત્યાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં મોટાભાગના લોકો ભાડેથી રહેતા હતા. માથાભારે તત્વોએ સરકારી પ્લોટ પર ગેરકાયદે કબજો કરી તેને ભાડે આપી દીધા હતા. બહારથી સામાન્ય દેખાતા મકાનો અંદરથી અત્યંત આલીશાન હતા, જ્યાંથી ગુનાહિત નેટવર્ક ચલાવવામાં આવતું હતું. જંગલેશ્વરમાંથી ટૂંકાગાળામાં ખૂનના 8 આરોપી અને મારામારીના કેસમાં 68, બળાત્કાર અપહરણ કેસમાં 19 આરોપી ઝડપાયા છે. જ્યારે ગેરકાયદે મંડળી રચવાના ગુનામાં 80થી વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન દરમિયાન 472 કિલો ગાંજો અને ડ્રગ્સના નેટવર્ક સાથે જોડાયેલા 8 આરોપીઓ જેલહવાલે કરવામાં આવ્યાં છે.
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરકાયદેસર કબજો ધરાવતી તમામ મિલકતો સાફ કરવામાં આવશે. આજ સાંજ સુધીમાં ફેઝ-1 ની તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.ડિમોલેશન બાદ આ ખાલી થયેલી જગ્યા પર સ્થાનિક લોકો માટે જાહેર સુવિધાઓ અને બગીચાઓનું નિર્માણ કરવામાં આવશે. એટલું જ નહી અસરગ્રસ્ત ગરીબ પરિવારો માટે સરકાર દ્વારા બનાવવામાં આવતા 3000 નવા આવાસમાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ગૃહ મંત્રીએ અંતમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા અસામાજિક તત્વો સામેની ઝુંબેશ ચાલુ રહેશે.
