રિયલ એસ્ટેટને ગળાટૂંપો આપતા પ્રશ્નો લઇને બિલ્ડર એસો. પહોંચ્યું મ્યુ.કમિશનર પાસે

રાજકોટ શહેરને ભલે રંગીલું શહેર કે ’મિનિ મુંબઈ’ તરીકે ઓળખવામાં આવતું હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. શહેરના રિયલ એસ્ટેટ…

રાજકોટ શહેરને ભલે રંગીલું શહેર કે ’મિનિ મુંબઈ’ તરીકે ઓળખવામાં આવતું હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિકાસની અનંત શક્યતાઓ અને આસમાનને આંબે તેવી ક્ષિતિજો રહેલી છે, પરંતુ સ્થાનિક કક્ષાએ અમલી બનાવાયેલા કેટલાક જડ નિયમો અને વહીવટી અવરોધો આ વિકાસ માટે મોટા બાધક બની રહ્યા છે.

મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની વિસંગતતાપૂર્ણ કામગીરી અને નિર્ણયહીનતા પણ આ સ્થિતિ માટે સીધી રીતે જવાબદાર છે, જેના કારણે સમગ્ર બાંધકામ ઉદ્યોગનો વિકાસ ગૂંગળાઈ રહ્યો છે. આવા જે કેટલાક પ્રશ્નો સાથે આજે બિલ્ડર એસોસિએશનના આગેવાનો પરેશ ગજેરા, દિલીપ લાડાણી, અમિત ત્રાંબડિયા, કમલ સોનવાણી મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા પાસે પહોંચ્યા હતા. મેયર ડો.નેહલ શુકલ, સ્ટે.ચેરમેન પરેશ પીપળિયા, ટાઉન પ્લાનર ઓફિસર હેતલબેન સોરઠિયાની હાજરીમાં બિલ્ડર એેસોસિએશનના આગેવાનોએ વિવિધ જટિલ પ્રશ્નો રજુ કરીને તેનો કાયમી ઉકેલ લાવવા ભારપુર્વક રજુઆત કરી હતી.

જીડીસીઆરના નીતિ-નિયમોથી પર જઈને સ્થાનિક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા વહીવટી પ્રશ્નોને કારણે રિયલ એસ્ટેટ ઉદ્યોગ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. સ્થાનિક કક્ષાએ ઉદ્ભવતા આ જટિલ પ્રશ્નો અને નિયમોમાં કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે અનેક પ્રોજેક્ટ્સ અટવાઈ પડ્યા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર રાજકોટના અર્થતંત્રનો મુખ્ય આધારસ્તંભ હોવા છતાં, ટીપી શાખાના વલણ અને વહીવટી જડતાને પરિણામે શહેરમાં રોકાણકારો અને બિલ્ડરો બંને મૂંઝવણ અનુભવી રહ્યા છે.

રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો સ્થાનિક કક્ષાએ નડતરરૂૂપ બનતા આ તમામ પ્રશ્નો અંગે મ્યુનિસિપલ કમિશનરને રૂૂબરૂૂ મળીને રજૂઆત કરવા માટે છેલ્લા ઘણા સમયથી સતત પ્રયાસો કરી રહ્યા હતા. જોકે, કોઈને કોઈ કારણોસર કમિશનર તરફથી સમય કે ફુરસદ મળતી ન હતી. સતત વિલંબ અને વહીવટી ઉપેક્ષાથી કંટાળીને આખરે બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોએ મેયર ડો.નેહલ શુક્લના દરવાજા ખટખટાવવાની ફરજ પડી હતી. મેયર મધ્યસ્થી બનતા આખરે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન શક્ય બન્યું હતું.

બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, મેયર ડો.શકલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા અને ટાઉન પ્લાનિંગ ઓફિસર હેતલબેન સોરઠિયા સહિતના તમામ જવાબદાર સત્તાધીશો હાજર રહ્યા હતા. બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોએ તમામ જટિલ મુદ્દાઓ અને ટીપી શાખા દ્વારા ઊભી કરાતી અડચણો અંગે વહીવટીતંત્ર સમક્ષ તીખા અને સીધા સવાલો કર્યા હતા. બેઠક દરમિયાન સ્થાનિક વહીવટના કારણે અટકેલી ફાઈલો અને નિયમોની ગૂંચવણો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સ્થાનિક મનપા કક્ષાએ અવરોધરૂૂપ આ પ્રશ્નો અંગે એસો.ની મુખ્ય માગણી
* ટીપી સ્કીમો જે હાલ કોર્પોરેશનમાં બોર્ડ પાસે પરામર્સ માટે પેન્ડીંગ પડેલી હોય તેનો ઠરાવ કરી મરામર્શમાં વહેલીતકે લાવવી.
* બિલ્ડીંગ પ્લાનમાં 3.25 મિટરથી વધારે હાઇટ હોય તો હાઇટ ડિપોઝીટ લેવામા આવે છે જે 4.25 મીટર કરવી.
* લેબર કોલોની માટે 40 ટકા કપાતમાં આપેલી હોય એ જગ્યા પ્રોજેક્ટ માટે લેબર કોલોની તરીકે વપરાશ કરવા અથવા તો અન્ય રિઝર્વેશન પ્લોટમાં ડેવલપરે લેબર કોલોની કરવી હોય તો ત્યા પ્રતિ મિટર જે રૂૂ.6.5 પ્રતિદિન ભાડુ છે તે વસુલી જગ્યા વાપરવા આપવી.
* પેઇડ એફ.એસ.આઇ. 1.8ની ઉપર ચાર્જ ભરવાના હોય તો એફ.એસ.આઇ.ના વગર વ્યાજે બે વર્ષના હપ્તા કરી આપવા.
* પ્લાન પાસ વખતે પાર્કિંગ માટે ડિપોઝીટ લેવામા આવે છે. અન્ય કોઇ શહેરની મહાનગરપાલિકામાં આવો ચાર્જ લેવામા આવતો નથી. પાર્કિંગ ડિપોઝીટ રદ કરવી.

સમસ્યાઓનો ટુકડે-ટુકડે નહીં પણ કાયમી અને નક્કર ઉકેલ લાવવા માગણી
બિલ્ડર એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી કે અમુક પ્રશ્નો એવા છે જેનો ઉકેલ લાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી કે મહાનગરપાલિકાના જનરલ બોર્ડની સત્તાવાર મંજૂરી લેવી પડે તો એ કરો. એસોસિએશને માંગ કરી હતી કે વહીવટીતંત્ર દ્વારા આ દિશામાં સક્રિય થઈને જે કોઈ કાનૂની કે નીતિગત પ્રક્રિયાઓ કરવી પડે તે તાત્કાલિક કરવામાં આવે. આ સમસ્યાઓનો ટુકડે-ટુકડે નહીં પરંતુ કાયમી અને નક્કર ઉકેલ લાવવા માટે કમિશનર અને મેયર સમક્ષ ભારપૂર્વક અપીલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *