ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે વિપક્ષનો બહિષ્કાર, સફાઈ કોન્ટ્રાક્ટ અને લાંચના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે
રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મની છેલ્લી અને ખાસ સામાન્ય સભા આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. આગામી 16 માર્ચના રોજ સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી હોવાથી આ બેઠકમાં ભાવુક વિદાયની સાથે સાથે રાજકીય ગરમાવો પણ ચરમસીમાએ જોવા મળ્યો હતો. સભામાં વર્ષ 2026-27નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ સફાઈ ટેન્ડર અને લાંચના ગંભીર આક્ષેપોને કારણે સભા તોફાની બની હતી.
સામાન્ય રીતે બજેટ લક્ષી સભામાં પ્રશ્નોત્તરી હોતી નથી, પરંતુ છેલ્લી સભા હોવાથી ખાસ પરવાનગી આપવામાં આવી હતી. કુલ 32 પ્રશ્નો રજૂ થયા હતા, જેમાં શાસક પક્ષના દંડક વિરલ પનારાના 5 અને કારોબારી ચેરમેન પી.જી. ક્યાડાના 8 પ્રશ્નો હતા. બીજી તરફ વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 19 જેટલા અણીયારા પ્રશ્નો પૂછ્યા હતા. જોકે, પ્રથમ 13 પ્રશ્નો શાસક પક્ષના હોવાથી પ્રશ્નોત્તરીનો એક કલાકનો સમય તેમાં જ પૂર્ણ કરી વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચા સદનમાં ગાજી હતી.
સામે પક્ષે ભાજપ દ્વારા વિપક્ષી નેતા મનસુખ સાકરીયા પર વળતા પ્રહારો કરવામાં આવ્યા હતા. સભામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિપક્ષી નેતાએ સિંચાઈ વિભાગના ઇજનેર પાસેથી 5 લાખ રૂૂપિયાની લાંચ માંગી હતી, જેમાંથી 2.50 લાખ રૂૂપિયા બળજબરીથી પડાવ્યા હતા. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડના કોન્ટ્રાક્ટર પાસેથી પણ 20 હજાર રૂૂપિયા ઉઘરાવ્યા હોવાના ગંભીર આક્ષેપો શાસક પક્ષે કરતા સભામાં સોપો પડી ગયો હતો. વર્ષ 2026-27નું રૂૂ. 1193.68 કરોડનું બજેટ મંજૂર હોબાળા વચ્ચે જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27નું કુલ 1193.68 કરોડનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું.
આ બજેટની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. ગ્રામ્ય પ્રજા પર કોઈપણ પ્રકારનો નવો બોજ નાખવામાં આવ્યો નથી. શહીદ સૈનિકના પરિવારને અપાતી સહાય 1 લાખથી વધારીને 2 લાખ કરવામાં આવી છે. દરેક તાલુકા દીઠ એક પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર ખોલવા માટે 60 લાખની જોગવાઈ કરાઈ છે. દરેક સદસ્ય દીઠ વિકાસના કામો માટે 35 લાખની ફાળવણી કરવામાં આવી છે.આરોગ્ય અને શિક્ષણ: કુપોષિત બાળકો માટે 10 લાખ અને વિચરતી વિમુક્ત જાતિની દીકરીઓના શિક્ષણ માટે 20 લાખની જોગવાઈ કરાઈ છે.
સભાના અંતિમ તબક્કે સાંસદ પરસોત્તમ રૂૂપાલા હાજર રહ્યા હતા. પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ પોતાના અઢી વર્ષના કાર્યકાળનો અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નવા પંચાયત ભવન, સોલાર રૂૂફટોપ અને ’સૌની યોજના’ જેવા અનેક ઐતિહાસિક કામો થયા છે. તેમણે વિપક્ષના સહયોગ બદલ તેમનો પણ આભાર માન્યો હતો.
આ વિશેષ સભા નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાને પ્રથમવાર મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં પંચાયતના સભ્યો, અધિકારીઓ અને આગેવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને સામાજિક જવાબદારી અદા કરી હતી.
વિપક્ષે સભામાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની સફાઈ માટે જે કોન્ટ્રાક્ટ અગાઉ 15 લાખમાં આપવામાં આવતો હતો તે હવે 35 લાખ રૂૂપિયામાં કેમ આપવામાં આવ્યો છે? આ ઉપરાંત નવા ભવનના સ્થળાંતરમાં થયેલા 84 લાખના ખર્ચનો રિપોર્ટ પણ હજુ સુધી સાર્વજનિક કરવામાં આવ્યો નથી. આ મુદ્દે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવતા અંતે સભાનો બહિષ્કાર કર્યો હતો અને ભવનની બહાર પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સફાઈ કોન્ટ્રાક્ટમાં 20 લાખનો ઉછાળો અને ભ્રષ્ટાચારના આક્ષેપો
વિપક્ષે સભામાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની સફાઈ માટે જે કોન્ટ્રાક્ટ અગાઉ 15 લાખમાં આપવામાં આવતો હતો તે હવે 35 લાખ રૂૂપિયામાં કેમ આપવામાં આવ્યો છે? આ ઉપરાંત નવા ભવનના સ્થળાંતરમાં થયેલા 84 લાખના ખર્ચનો રિપોર્ટ પણ હજુ સુધી સાર્વજનિક કરવામાં આવ્યો નથી. આ મુદ્દે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવતા અંતે સભાનો બહિષ્કાર કર્યો હતો અને ભવનની બહાર પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
