શ્રમિકને બેરહેમીથી માર મારવામાં આવતા સિવિલ માં દાખલ
રાજકોટના ઉમિયા ચોક વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં રહેતા અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવક પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આંબેડકર નગરમાં રહેતા અને ગાડીઓમાંથી સામાન ઉતારવાની મજૂરી કામ કરતા સંજય ભીખાભાઈ વાઘ (ઉંમર વર્ષ 37) નામના યુવકને સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી બાદ કેટલાક અજાણ્યા માણસોએ બેરહેમીથી માર માર્યો હતો.
હુમલાને પગલે લોહીલુહાણ હાલતમાં સંજયભાઈને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાની વિગત એવી છે કે સંજયભાઈ જ્યારે વિસ્તારમાં લઘુશંકા કરી રહ્યા હતા, ત્યારે ત્યાં અચાનક આવી ચડેલા અજાણ્યા શખ્સોએ ’અહીં કેમ લઘુશંકા કરે છે?’ તેમ કહીને તેમની સાથે ઝઘડો શરૂૂ કર્યો હતો. વાત આટલેથી ન અટકતા, ઉશ્કેરાયેલા આરોપીઓએ સંજયભાઈ પર હુમલો કરી દીધો હતો અને તેમને ઢોર માર માર્યો હતો. આ હુમલાના પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રમિક યુવકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી છે. પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદ નોંધીને હુમલાખોર અજાણ્યા શખ્સોને ઝડપી લેવા માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
